વડોદરામાં પોલીસનું આઇકાર્ડ બતાવી બે ગઠીયા વૃધ્ધની સોનાની બે વીંટી અને ચેઇન લૂંટી ફરાર

માંજલપુરમાં રહેતા 72 વર્ષીય મહેન્દ્રભાઇ શાહ એન્જિનિયરીંગ કપનીમાં નોકરી કરે છે

MailVadodara.com - In-Vadodara-two-old-men-robbed-two-gold-rings-and-a-chain-after-showing-their-police-ID-cards-and-escaped

- વૃદ્ધ આજે સવારે કુતરાઓને બિસ્કીટ ખવડાવી રહ્યા હતા તે દરમિયાન પોલીસના સ્વાંગમાં આવેલા બે ગઠિયા 1.25 લાખની કિમતનો મુદ્દામાલ કાઢી ફરાર થઇ ગયા


શહેરમાં પુન: એકવાર પોલીસના સ્વાંગમાં લૂંટ ચલાવતી ટોળકી સક્રીય થઇ ગઇ છે. વડોદરા મકરપુરા જી.આઇ.ડી.સી. કંપનીમાં નોકરી જતા પહેલાં કૂતરાઓને બિસ્કીટ ખવડાવી રહેલા વૃધ્ધ પાસે બાઇક ઉપર ધસી આવેલા ગઠીયાઓએ પોલીસનું આઇકાર્ડ બતાવી વૃધ્ધની બે સોનાની વીંટી અને એક સોનાની ચેઇન મળી કુલ્લે રૂપિયા 1.25 લાખની કિંમતનો મુદ્દામાલ ખિસ્સામાંથી કાઢી ફરાર થઇ ગયા હતા. જાે કે આ સમગ્ર ઘટનાના સી.સી.ટી.વી. સામે આવ્યા છે.


બનાવની વિગત મુજબ, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી વામીન સોસાયટીમાં પરિવાર સાથે રહેતા 72 વર્ષિય મહેન્દ્રભાઇ હિરાભાઇ શાહ મકરપુરા જીઆઇડીસીમાં આવેલી એક એન્જિનીયરીંગ કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે તેઓ પોતાની મોપેડ લઇ નોકરી જવા માટે નીકળ્યા હતા. મહેન્દ્રભાઇ શાહ જે કંપનીમાં નોકરી કરતા હતા તે કંપની પાસે નિત્યક્રમ મુજબ પોતાનું મોપેડ રોડની સાઇડમાં ઉભું રાખી કૂતરાઓને બિસ્કીટ ખવડાવી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિ તેમની પાસે આવી પહોંચ્યો હતો અને પોલીસનું આઇકાર્ડ બતાવી કહ્યું કે, દાદા તમે ઉંમરલાયક છો. તમે સોનાની વિંટી અને ચેઇન પહેરીને કેમ ફરો છો. શહેરમાં ચોરીના કેટલા બનાવો બને છે. તે સમયે અન્ય એક વ્યક્તિ સોનાની વીંટી અને ચેઇન પહેરીને પસાર થતો હતો. જોકે, તે બોગસ પોલીસનો જ સાગરીત હતો.


બોગસ પોલીસે પસાર થઇ રહેલા તેના સાગરીતને પણ ઉભો રાખ્યો હતો. અને તેને પણ વૃધ્ધ મહેન્દ્રભાઇ શાહને કહ્યું તે કહેવા લાગ્યો હતો. આથી તેને પોતાના હાથે પહેરેલી સોનાની વીંટી અને ચેઇન કાઢી એક કાગળમાં પડીકું મૂકી પોતાના ખિસ્સામાં મૂકી હતી. અને બીજો કાગળ બોગસ પોલીસને આપ્યો હતો. આથી બોગસ પોલીસે તે કાગળમાં વૃધ્ધ મહેન્દ્રભાઇને સોનાની વીંટી અને ચેઇન મૂકી ખિસ્સામાં પડીકું મૂકી દેવા જણાવ્યું હતું. વૃધ્ધ મહેન્દ્રભાઇ શાહે પોતાના સોનાની ચેઇન અને બે વીંટી કાઢી બોગસ પોલીસે આપેલ કાગળમાં મૂકી પડીકું વાળી પોતાના ખિસ્સામાં મૂક્યું હતું. વૃધ્ધે વીંટી અને ચેઇનનું પડીકું ખિસ્સામાં મુકતા જ બોગસ પોલીસ અને તેનો સાગરીત ખિસ્સામાંથી વીંટી અને સોનાની ચેઇન મુકેલું પડીકું કાઢી લઇ મોટર સાઇકલ ઉપર રફૂચક્કર થઇ ગયા હતા.


જેને પગલે વૃધ્ધ મહેન્દ્રભાઇ શાહે બુમરાણ પણ મચાવી હતી. પરંતુ, કોઇ મદદે આવ્યું ન હતું. જોકે, લોકો મદદે આવે તે પહેલાં પોલીસના સ્વાંગમાં આવેલા બાઇક સવાર ગઠીયા ફરાર થઇ ગયા હતા. માંજલપુર વિસ્તારમાં ખોડીયાર માતાના મંદિર પાસે બનેલી ઘટનાએ વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. સ્થાનિક લોકોને ઘટનાની જાણ થયા બાદ લોકો દોડી આવ્યા હતા.

દરમિયાન આ બનાવ અંગની જાણ માંજલપુર પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને વૃઘ્ઘ મહેન્દ્રભાઇ શાહના દાગીના પોલીસ સ્વાંગમાં આવેલ ગઠીયા કેવી રીતે લઇ ગયા. તે અંગે વૃધ્ધને પૂછતા તેઓએ પોતાની સાથે બનેલી ઘટનાની વિગતો જણાવી હતી. બાદમાં પોલીસ વૃધ્ધ મહેન્દ્રભાઇ શાહને લઇ પોલીસ મથક ગઇ હતી. અને તેઓની ફરિયાદ લીધી હતી.

મહેન્દ્રભાઇ શાહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોલીસના સ્વાંગમાં આવેલા બે ગઠીયા 10 ગ્રામ વજનની બે સોનાની વીંટી અને 15 ગ્રામ વજનની સોનાની ચેઇન લઇ ફરાર થઇ ગયા છે. માંજલપુર પોલીસે ફરિયાદના આધારે તેમજ ઘટના સ્થળ વિસ્તારમાંથી મળેલા સી.સી. ટી.વી. ફૂટેજ મેળવી મોટર સાઇકલ ઉપર આવેલા ગઠીયાઓની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments