વડોદરામાં એક જ દિવસમાં જુદા-જુદા વિસ્તારની બે મહિલાના અછોડા તોડનાર બે શખ્સો ઝડપાયાં

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે છાણી કેનાલ રોડ પરથી બે ઇસમોને ઝડપી પાડ્યાં

MailVadodara.com - In-Vadodara-two-men-were-arrested-for-breaking-the-achhoda-of-two-women-from-different-areas-on-the-same-day

- 3 મહિના પહેલાં બંનેએ છાણી કેનાલ અને રાજમહેલ રોડ વિસ્તારમાંથી પસાર થતી મહિલાના અછોડા તોડ્યા હોવાની ક્રાઇમ બ્રન્ચની પૂછપરછમાં કબૂલાત!


વડોદરા શહેરમાં મહિલાઓને ટાર્ગેટ કરી આરોપીઓ દ્વારા ચેઈન સ્નેચીંગ, ચીલ ઝડપ, ઠગાઈ અને ચોરી કરવામાં આવી રહી છે. જેને અટકાવવા માટે તેમજ આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વડોદરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દરમિયાન એક જ દિવસમાં સાંજના સમયે છાણી કેનાલ તેમજ રાજમહેલ રોડથી મહિલાઓના ગળામાંની સોનાની ચેઈનનું સ્નેચીંગ કરનાર બે આરોપીઓને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને તેમની ટીમના માણસો શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે ચેઈન સ્નેચીંગ કરનારા ઈસમોને લઈને બાતમી મળી કે, ઉમેશ પરમાર અને સ્ટીવન પરમાર છાણી રોડ કેનાલ પાસેથી મોટર સાયકલ પર પસાર થશે. જેને આધારે વોચ ગોઠવતા ક્રાઈમ બ્રાન્ચને છાણી રોડ કેનાલ પાસેથી યામાહા એફ.ઝેડ મોટર સાયકલ પર જતા 2 ઈસમો પર શંકા જતા તેમને રોકી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેમનું નામ ઉમેશ જયરામ પરમાર અને સ્ટીવન શશીકાંતભાઈ પરમાર (બંન્ને રહે, વી.એમ.સી. છાણી જકાતનાકા) જણાવ્યું હતું. જે બાદ તેમને મોટર સાયકલ અંગે પૂછતા તેમની પાસે પેપર્સ ન હતા. સાથે સાથે તેમણે મોટર સાયકલને લઈ સચોટ માહિતી ન આપતા પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી.


ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઈસમોની સઘન પૂછપરછ કરતા બંન્ને ઈસમોને પોતે પકડાઈ ગયા હોવાનું માનીને આશરે ત્રણ મહિના પહેલાં સાંજના સમયે છાણી કેનાલ પાસે ચરોતરનગર પાસેથી પસાર થઈ રહેલી મહિલા તેમજ રાજમહેલ રોડ પરથી પસાર થઈ રહેલી મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઈન આંચકી તોડી સ્નેચીંગ કરી હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે સ્નેચિંગ કરેલી 2 સોનાની ચેઈન ખંભાત ખાતે ગીરવે મૂકી હોવાનું પણ જણાવ્યું હતું, જેની કિંમત રૂપિયા 93,150 હતી.

મહત્વનું છે કે, આરોપીઓ દ્વારા કરવામાં આવેલા આ ચેઈન સ્નેચીંહ અંગેનો ગુનો છાણી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવ્યો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંન્ને ઈસમો પાસે રહેલી રૂ.40,000ની મોટર સાયકલ કબ્જે કરી લીધી હતી. જે બાદ આ ગુનો છાણી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હોવાથી બંન્ને આરોપી ઈસમોને છાણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવતા આ અંગે આગળની તપાસ છાણી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી.

Share :

Leave a Comments