વડોદરામાં બે ભાઈઓએ મળીને ત્રીજા ભાઈનો હક જતો કરવાનો ખોટો લેખ કરીને છેતરપિંડી આચરી

ગોરવામાં રહેતા નિવૃત એરફોર્સ કર્મીએ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - In-Vadodara-two-brothers-conspired-to-defraud-the-third-brother-by-making-a-false-article

- મકાન પર 44 લાખની લોન લીધી, બે ભાઇ સહિત 5 આરોપી સામે ફરિયાદ

વડોદરા શહેરમાં બે ભાઇઓએ મળીને ત્રીજા ભાઈનો હક જતો કરવાનો લેખ કરીને છેતરપિંડી આચરી હતી અને 44.56 લાખ રૂપિયાની લોન લઇ લીધી હતી. આ મામલે બે ભાઇ સહિત 5 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે.

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી પ્રથમ સૃષ્ટી સોસાયટીમાં રહેતા અરવિંદસિંઘ તાલેવરસિંઘ (ઉ.53) એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું એરફોર્સની નોકરીમાંથી વર્ષ-2016માં નિવૃત્ત થયો હતો અને તેના પેન્શનમાંથી મારા પરિવારનું જીવન ગુજરાન ચલાવું છું. ગત તા. 16 ફેબ્રુઆરી 2023ના રોજ મારા મોબાઇલ ફોનમાં ફાયનાન્સિયલ સિબિલ સ્કોર માટેનો મેસેજ આવ્યો હતો. તે વખતે હું આગ્રામાં હોવાથી મારા દીકરા ઉત્કર્ષે વડોદરા ખાતે આવેલી SBIની ફતેગંજ શાખામાં તપાસ કરતા ટાટા કેપિટલમાંથી સિબિલ સ્કોર આવ્યો છે તેવી માહિતી મળી હતી. જેથી મેં તથા મારા દીકરાએ આ બાબતે ટાટા કેપિટલ ખાતેની ઓફિસમાં જઈ અને અન્ય સરકારી કચેરીઓમાં જઈ તપાસ કરતા કરાવી હતી. જેથી જણાઈ આવ્યું હતું કે, મારા પિતાજીનું માલિકીનું મકાન વડોદરાના જાંબુવા જકાતનાકા પાસે ગાયત્રીનગરમાં આવેલુ છે. જે મકાન મારા પિતાએ ગત તા. 4 ઓગસ્ટ 1998માં વેચાણ દસ્તાવેજથી ગાયત્રી ડેવલોપર્સ પાસેથી ખરીદ્યું કર્યું હતું. પરંતુ મારા પિતા તથા માતાના મૃત્યુ પછી તેમાં વારસાઇ નોંધ તા. 12 મે 2021ના રોજ થઇ હતી, જેમાં મારું તથા મારા બંને ભાઈઓ હિતેન્દ્ર સિંધ અને શૈલેન્દ્રસિંઘના નામ થયા હતા. તે અગાઉ મને મારી માતાએ તા. 5 ડિસેમ્બર 2017ના રોજ અમારા વતન ઉત્તરપ્રદેશ ખાતે આવેલા મકાન મને આપવાનું અને વડોદરા ખાતે આવેલું મકાન મારા બાકીના બે ભાઈઓને આપવાનું વીલમાં લખી આપ્યું હતું. ત્યાર બાદ મારા બંને ભાઇઓ હિતેન્દ્રસિંઘ અને શૈલેન્દ્રસિંઘે વર્ષ-2021માં વડોદરાનું મકાન ઉપર સર્વોદય સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી મારા ડોક્યુમેન્ટ ઉપર તા. 30 નવેમ્બર 2021ના રોજ રૂપિયા 31,21,937 જોઇન્ટમાં હાઉસિંગ લોન લીધી હતી. ત્યાર બાદ ગત તા. 23 જૂન 2023ના રોજ મિલ્કતમાં મારો “બિન અવેજી હક્ક કરવાનો લેખ’ માણેજા સબ રજિસ્ટાર કચેરી-માંજલપુર ખાતે થયો હતો.

જે લેખમાં મારી જાણ બહાર અને મારી મરજી વિરૂદ્ધ થયો હોવાનું મને જાણવા મળતા હું માણેજા સબ રજિસ્ટાર કચેરી-માંજલપુર ખાતે જઈ તપાસ કરતા લેખ થયો હોવાની માહિતી મળી હતી. જેના આધારે મેં માહિતી મેળવતા મારા બંને ભાઇઓ હિતેન્દ્રસિંઘ તાલેવરસિંઘ અને શૈલેન્દ્રસિંઘ તાલેવરસિંઘે બે સાક્ષીઓ નિલેશ શિવાજીરાવ સાલેકર (રહે. શ્રીજીધામ સોસાયટી-2, તરસાલી, વડોદરા શહેર) અને અજયભાઇ જયંતીભાઇ સોલંકી (રહે. કૈલાસધામ, એફ.એ.જી. કંપનીની પાછળ, માણેજા, વડોદરા)ને રાખીને પૂર્વઆયોજીત ગુનાહિત કાવતરું રચી મારી જગ્યાએ અન્ય કોઈ ડમી વ્યક્તીને ઉભો કરીને મારી ખોટી સહીઓ કરીને તે ડમી વ્યક્તિએ મારા વતી વીડિયો રેકોડિંગમાં હક્ક જતો કરવાની જુબાની આપીને આ હક્ક જતો કરવાનો લેખ બનાવ્યો હતો. જે મારો બિન અવેજી હક્ક કરવાનો લેખ આધારે મારા બંને ભાઇઓએ ભેગા મળીને મને આ મકાનનો ભાગ આપવો ન પડે તે માટે તેઓએ આર્થિક ફાયદા સારૂ ઉપરોકત મકાન ઉપર મારો હક્ક જતો કરવાનો લેખ ખોટો બનાવ્યો હતો, જેના આધારે મારા નાનાભાઈ નામે શૈલેન્દ્રસિંઘ તાલેવરસિંઘે તેમના નામે ગત તા. 26 ડિસેમ્બર 2023ના રોજ આ મિલ્કત ઉપર ટાટા કેપિટલ હાઉસિંગ ફાઇનાન્સ લી.માં રૂપિયા 29,56,000ની હોમ લોન લીધી હતી, જે લોનમાં કોએપ્લીકાન્ટમાં મારા મોટા ભાઈ હિતેન્દ્રસિંઘ તાલેવરસિંઘ અને રંજનાસિંગ શૈલેન્દ્રસિંઘ તાલેવરસિંઘ તથા હેમંતસિંઘ શૈલેન્દ્રસિંઘ તાલેવરસિંઘનું નામ જણાયું હતું.

ત્યાર બાદ આ મકાન ઉપર જ ગત તા. 29 ડિસેમ્બર 2023ના રોજ 15,00,000ની રકમની ટોપ અપ લોન પણ લઈ લીધી હતી. જે પણ મારા નાનાભાઇ શૈલેન્દ્રસિંઘ તાલેવરસિંઘના એકાઉન્ટમાં જમા થઈ હતી. આમ મારા બંને ભાઇઓએ આર્થિક ફાયદો મેળવવા માટે મારી જાણ બહાર મારા પિતાના નામના મકાન ઉપર કુલ 44,56,000 રૂપિયાની લોન લીધી હતી અને મારી સાથે છેતરપિંડી આચરી હતી. આ મામલે મેં હિતેન્દ્રસિંઘ તાલેવરસિંઘ, શૈલેન્દ્રસિંઘ તાલેવરસિંઘ, નિલેશ શિવાજીરાવ સાલેકર, અજય જયંતીભાઇ સોલંકી અને વિજયસિંઘ શિવાજી રાઠોડ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments