વડોદરામાં બંધ મકાનના તાળાં તોડી તસ્કરો રોકડ અને દાગીના મળી 3.76 લાખની મત્તા ચોરી ગયા

ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઉમંગ કોમ્પ્લેક્ષમાં બંધ મકાનમાં ચોરી

MailVadodara.com - In-Vadodara-thieves-broke-the-locks-of-a-closed-house-and-found-cash-and-jewelery-worth-3-76-lakhs

- પરિવાર બીજા માળે મકાનને તાળું મારી પહેલા માળે આવેલા મકાનમાં સુવામાં ગયો હતો, સવારે ચોરી થયાની જાણ થતાં પરિવાર ચોંકી ઉઠયું


વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં રહેતા પરિવારના બંધ મકાનના તાળાં તોડી તસ્કરો 2.50 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 3.76 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા છે. કોમ્પ્લેક્સના મકાનમાંથી ચોરી થતાં આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બનાવ અંગે વાડી પોલીસે જાણ થતાં આગળની તપાસ હાથ ધરી છે.


સમગ્ર બનાવ મળેલી માહિતી અનુસાર શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઉમંગ કોમ્પ્લેક્ષમાં હિરેન મિસ્ત્રી પરિવાર સાથે રહે છે અને મિસ્ત્રી કામ કરે છે. તેઓના કોમ્પ્લેક્ષમાં પહેલાં અને બીજા માળે એમ બે મકાન છે. હિરેન મિસ્ત્રી બીજા માળે મકાનને તાળું મારી પહેલા માળે આવેલા મકાનમાં સુવામાં ગયા હતા. આ દરમિયાન રાત્રીના સમયે તસ્કરોએ હિરેન મિસ્ત્રીના બીજા માળે આવેલા બંધ મકાનના તાળા તોડી મકાનમાં મુકેલા રૂપિયા 2.50 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના સહીત 3.76 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.


સવારે પરિવારને બીજા માળના મકાનમાં ચોરી થયાની જાણ થતાં પરિવાર ચોંકી ઉઠયું હતું. તે સાથે ચોરીના બનાવની જાણ કોમ્પ્લેક્ષમાં રહેતા લોકોને થતાં તેઓ હિરેન મિસ્ત્રીના ઘરે આવી પહોંચ્યા હતા. તો બીજી બાજુ આ બનાવની જાણ વાડી પોલીસને કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને હિરેન મિસ્ત્રી પાસેથી વિગતો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસે ઉમંગ કોમ્પ્લેક્ષમાં કેટલા તસ્કરો આવ્યા હતા તે જાણવા માટે કોમ્પ્લેક્ષ વિસ્તારના CCTV મેળવવાની તજવીજ હાથ ધરી હતી. તસ્કરો મધરાત્રે ત્રાટક્યા હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. પોલીસે આ બનાવમાં હિરેન મિસ્ત્રીએ ઘરમાંથી તસ્કરો રૂપિયા 2.50 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 3,76,000 ના મુદ્દામાલ ગયા હોવાનું જણાવ્યું છે.

Share :

Leave a Comments