વડોદરામાં પિયરમાં ગયેલી પત્નીને જાહેર રોડ પરથી ઘરમાં ખેંચી જઇ પતિએ ગળા-પેટમાં છરીના ઘા માર્યાં

યુવક-યુવતીએ 3 વર્ષ પહેલાં ભાગીને પ્રેમલગ્ન કર્યાં હતાં, બંનેને 2 વર્ષનો પુત્ર પણ છે

MailVadodara.com - In-Vadodara-the-wife-who-had-gone-to-the-pier-was-dragged-home-from-the-public-road-and-the-husband-stabbed-her-in-the-neck-and-abdomen

- પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા મારતા પત્ની જીવ બચાવવા માટે ઉપરના માળેથી નીચે કૂદી પડી, ઘટના બાદ પતિ બાઇક લઇને નાસી છૂટ્યો

- પતિ સાથે અવારનવાર ઝઘડો થતા યુવતી એક માસથી માતાના ઘરે રહેતી હતી, યુવતીની માતાએ જમાઇ સામે વાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી


વડોદરામાં પિયરમાં ગયેલી પત્નીને જાહેર રોડ પરથી ખેંચીને ઘરે લઈ જઈને પતિએ ગળા અને પેટના ભાગે છરીના ઘા માર્યાં હતા. આ મામલે યુવતીની માતાની ફરિયાદના આધારે વાડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. યુવક-યુવતીએ 3 વર્ષ પહેલાં ભાગીને પ્રેમલગ્ન કર્યાં હતાં અને બંનેને 2 વર્ષનો પુત્ર પણ છે. પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને નોકરી છોડાવી દીધી હતી અને ગઈકાલે રાત્રે પત્ની પર છરી વડે હુમલો કરી દીધો હતો.


વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશનમાં યુવતીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી નાની દીકરી પ્રિયા (નામ બદલ્યું છે)એ 3 વર્ષ પહેલાં રોહન (નામ બદલ્યું છે) સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેને સંતાનમાં એક દીકરો છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ મારી બન્ને દીકરી ટેસ્ટી ભૂંગળાં લેવા માટે ઘરેથી નીકળી હતી. જોકે મારી બન્ને દીકરી ઘરે પરત ન આવતાં મેં પ્રિયાને ફોન કર્યો હતો, જેથી પ્રિયાએ મને કહ્યું હતું કે ટેસ્ટી (ભૂંગળાં) લઈને થોડીવારમાં આવું છું.

રાતના 8.45 વાગ્યાની આસપાસ મારા મોબાઇલ પર ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે બાજુવાળો રોહન તમારી દીકરીને માર મારે છે. આ વખતે મારી નાની દીકરીએ પણ મને કહ્યું હતું કે, પ્રિયાને રોહન મારે છે, જેથી હું બરાનપુરા સ્થિત મારા જમાઈના ઘરે ગઈ હતી અને જોયું તો મારી દીકરી પ્રિયા જમીન પર ઢળી પડી હતી અને તેના ગળાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર માર્યું હોવાથી લોહી નીકળતું હતું. આ દરમિયાન 108 એમ્બ્યુલન્સ આવી જતાં હું મારા પતિ મારી નાની દીકરી પ્રિયાને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ ગયાં હતાં. હાલ મારી દીકરીની સારવાર ચાલુ છે, પરંતુ પ્રિયાને ગળાના ભાગે ઈજા થઈ હોવાથી તે બોલી શકતી નથી.


મારી નાની દીકરીએ મને જણાવ્યું હતું કે હું તથા પ્રિયા ટેસ્ટી ભૂંગળાં લેવા માટે ગયાં હતાં. આ વખતે રોહન બળિયાદેવના મંદિર પાસે બાઈક લઈને આવ્યો હતો અને મને તથા પ્રિયાને તેના ઘરે બરાનપુરા ખાતે લઈ ગયો હતો. બાદમાં રોહને પ્રિયાને ખેંચીને ઉપરના માળે લઈ જઈ ઝઘડો કરતો હતો. જેથી પ્રિયાએ બૂમાબૂમ કરી હતી, આથી હું ગભરાઈ ગઈ હતી અને પ્રિયા ઉપરના માળેથી કૂદીને નીચે પડી હતી અને રોહન તેની બાઈક લઈને નાસી ગયો હતો. પ્રિયાને રોહને કોઈ તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે તથા જમણા હાથે અને પેટની ઉપરના ભાગે માર્યું હોવાથી લોહી નીકળતું હતું. મારી દીકરી પ્રિયા અને મારા જમાઇ રોહન વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોવાથી પ્રિયા છેલ્લા એકાદ માસથી મારા ઘરે રહેતી હતી.


આ મામલે યુવતીની માતાએ જમાઈ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. વાડી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી જમાઈની પણ શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments