વડોદરામાં વીજ કેબલ નાખવા માટે ખોદકામ કરતા પાણીની લાઇન તૂટી,હજારો લિટર પાણી ગટરમાં!

એસઆરપી ગેટ પાસે વીજ કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ ચાલુ છે

MailVadodara.com - In-Vadodara-the-water-line-broke-while-digging-to-lay-the-power-cable-thousands-of-liters-of-water-in-the-drain

- પાલિકાની મંજૂરી લીધી નહોતી, કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી થશે


શહેરના લાલબાગ એસઆરપીમાં વીજ કંપનીએ અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માટે ખોદકામ કરતાં સમયે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. જેના કારણે રાજસ્તંભ સોસાયટીમાં પાણી ભરાયાં હતાં. બનાવના કારણે સ્થળ પર પહોંચેલા કાઉન્સિલરે અધિકારીઓનું ધ્યાન દોરતાં કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરમાં પાણીની લાઈન લીકેજ થવાના બનાવ અવારનવાર બનતા રહ્યા છે, એમાં પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી માટે ખોદકામ સમયે પણ બેદરકારી રાખવાથી લાઈન તૂટવાના અને પાણીની રેલમછેલ થવાના બનાવ પણ બને છે. ત્યારે શહેરના લાલબાગ કાશી વિશ્વનાથથી એસઆરપી ગેટથી અંદરની તરફ વીજ કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં શુક્રવારે મશીનની મદદથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન નીચેથી જતી લાલબાગ ટાંકીની 10 ઈંચની ડિલિવરી લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે નજીકની સોસાયટીમાં પાણી પણ ભરાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક કાઉન્સિલર સ્થળ પર દોડી ગયા હતા અને તેઓએ વોર્ડ નંબર 13ના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા.


તેમણે જણાવ્યું હતું કે, પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હોવાથી તેને તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની વીજ કંપનીના હાજર અધિકારીઓને તાકીદ કરાઈ હતી. આ અંગે વીજ કંપની દ્વારા પાલિકાની પરવાનગી નહિ લેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. લાઈન તૂટવાને કારણે લોકોને પાણી ઓછા પ્રેશરથી ઓછા સમય માટે મળી શક્યું  હતું. પાણીની લાઈનમાં ભંગારના સમારકામની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવશે, જેનો ખર્ચ વીજ કંપનીનો કોન્ટ્રાક્ટર ભોગવશે તેવી જાણકારી મળી છે. કામગીરીમાં બેદરકારી બદલ વીજ નિગમને બે લાખની નોટિસ પણ ફટકારવામાં આવી છે.


આજ વિસ્તારમાં રહેતા કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ ગઈકાલે આ બનાવ બનતા હજારો લિટર પાણી નકામું વહી ગયું છે, અને આશરે 35,000 લોકોને પાણીના ધાંધિયા થઈ ગયા છે. કલાકો સુધી કોર્પોરેશનના કોઈ અધિકારી અહીં સ્થળ પર આવ્યા નહીં હતા, અને જ્યારે આવ્યા ત્યારે માત્ર લીકેજના સ્થાને પાટો બાંધીને જતા રહ્યા હતા. આવી મોટી લાઈનમાં કામગીરી પણ બરાબર કરી ન હોવાથી આજે સવારે ફરી પાછું પાણી નીકળવાનું શરૂ થયું હતું. સવારે સોસાયટીમાં પણ પાણી વધારે ભરાયેલા હતા. કામગીરી વ્યવસ્થિત કરી લોકોને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને જે કંઈ નુકસાન થયું છે તે વીજ નિગમ પાસેથી વસૂલ કરવું જોઈએ. સવારે કોર્પોરેશન સ્ટાફ રીપેરીંગ માટે સ્થળ પર પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

Share :

Leave a Comments