- કહ્યું, ન્યાય આપો નહીં તો પરિવાર સાથે જિંદગી ટૂંકાવવાનો નિર્ણય લેવો પડશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પૂર્વ કોર્પોરેટર ચંદ્રકાંત ગજ્જરની દુકાન કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને દબાણ શાખાની ટીમના અધિકારીઓએ કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વીના ખોટી રીતે દુકાન પર જેસીબી ફેરવી દઈ તોડી નાખતા કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી દર્દ ભરી અપીલ કરી છે કે મને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં નહિ આવે તો મારા પરિવારે જીવન ટુંકાવવાનો અંતિમ નિર્ણય લેવો પડશે.
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અને હાલમાં પક્ષમાં મંત્રીનો હોદ્દો ધરાવનાર ચંદ્રકાંત ગજજરે મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મારી દુકાન પી.સી.ટાઇલ્સ 1 ઇશ્વરનગર, અભિષેક કોમ્પલેક્ષ સામે, જી.આઇ.ડી.સી વડસર રોડ, મકરપુરા રોડના 40 મીટર રીંગ રોડ તથા 18 મીટર અલવાનાકા માંજલપુર રોડના ત્રણ રસ્તાના જંક્શન પર છેલ્લા 25 વર્ષથી એટલે કે વર્ષ 1999થી દુકાન ચલાવું છું, મારી પાસે 1999 થી ગુમાસ્તા ધારાનું લાઇસન્સ છે સને ૨૦૦૮-૦૯ થી વ્યવસાય વેરો કોર્પોરેશનમાં નિયમિત રીતે ભરૂ છું. મારી પાસે સને 2001-02 થી જી.એસ.ટી. નંબર છે રજીસ્ટર્ડ થયેલ વહેપારી છું. તમામ ખરીદ-વેચાણના બિલો છે તથા વેરાબીલ તથા લાઇટબીલ પણ વર્ષોથી નિયમીત ભરૂ છું.
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, તા.13-06-2023ના રોજ બપોરના 3 થી 4 કલાકની વચ્ચે ખંડેરાવ માર્કેટ ટાઉન પ્લાનીંગ વિભાગ અને દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવવા માટે આવેલા અધિકારીઓએ મારી દુકાન સંપૂર્ણપણે કોર્પોરેશનના ત્રણ જે.સી.બી. દ્વારા તોડી પાડી છે. અગાઉથી મને કોઇ લેખીતમાં નોટીસ મળેલ નથી કોઇ જાણ પણ કરી નથી મારૂ ખુબ મોટુ નુકશાન કર્યું છે. જેથી મને ફરી પાછી મારી જગ્યાએ દુકાન બનાવી આપો અથવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અન્ય જગ્યાએ દુકાન ફાળવી આપો કારણ કે છેલ્લા 25 વર્ષથી મારા ઘરનું ભરણપોષણ દુકાનમાંથી મળતી રોજગારીમાંથી ચાલે છે. હું મધ્યમ વર્ગનો વહેપારી છું. મારી પાસે મોટી મુડી નથી કે હું તાત્કાલિક કોઇ બીજી જગ્યાએ દુકાન લઇ શકું જો આપ કોઇ તાત્કાલિક નિર્ણય નહી લઈ શકો તો હું અને મારો પરિવાર આ મુશ્કેલભરી પરિસ્થિતીનો સામનો કેવી રીતે કરીશું ? તેઓ આપને મારો પ્રશ્ન છે. આપ સાહેબને દુ:ખ સાથે જણાવવાનું કે મારી અને મારા પરિવારે જીવન ટુંકાવવાનો અંતિમ નિર્ણય લેવો પડશે. પરંતુ મને આપ પર પુરો ભરોશો છે કે આપ યોગ્ય નિર્ણય લઇ મને અને મારા પરિવારને જરૂર મદદરૂપ થશો તેવી ખાત્રી છે. છેલ્લા 25 વર્ષથી હું સ્વમાન પૂર્વક વેપાર કરૂ છું ને મારી રોજીરોટી તમે રાતોરાત છીનવી શકો નહી તેથી મને યોગ્ય ન્યાય આપવા વિનંતી છે.