- અભયમે યુવતીઓ અને તેમના બોયફ્રેન્ડને કાયદાનું ભાન કરાવ્યું છતાં લગ્ન કરવા જીદે ચઢેલી યુવતીઓ ન સમજતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આખો દિવસ મોબાઇલ ફોન ઉપર બોયફ્રેન્ડ સાથે ચેટિંગ કરનાર યુવતીઓને બચાવી લેવા માટે માતા-પિતાએ અભયમની મદદ માગી હતી. અભયમ ટીમે યુવતીઓ તેમજ તેમના બોયફ્રેન્ડને કાયદાનુ ભાન કરાવ્યુ હતું. છતાં બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની જીદે ચઢેલી યુવતીઓ સમજવા તૈયાર ન થતાં તેઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
આ બનાવોની વિગત એવી છે કે, વડોદરાના અલગ-અલગ વિસ્તારમાં રહેતા માતા-પિતા દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવ્યું કે, અમારી દીકરી સતત મોબાઈલ ઉપર તેમના બોયફ્રેન્ડ સાથે ચેટિંગ કરે છે. મોબાઈલ વગર ખાવા-પીવામાં ધ્યાન આપતી નથી. મોબાઈલની જીદના કારણે અભ્યાસ પણ કરતી નથી. વસ્તુઓ અને પોતાની જાતને ચપ્પુથી મારવાનો પ્રયત્ન કરે છે. અમારી દીકરીઓને બચાવો.
બે દંપતિના રડતા અવાજમાં આવેલા ફોનને ગંભીરતાથી લઈ અભયમની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં એક કેસમાં માતા-પિતાએ ટીમને જણાવ્યું કે, અમારી દીકરી હાલ 18 વર્ષની છે. અમે સામાન્ય પરિવારમાં જીવીએ છે. પિતા જી. આઈ. ડી. સી. કંપનીમાં કામ કરવા જાય છે. સંતાનમાં બે દીકરી છે. દીકરીનો જન્મ દિવસ છે અને કપડાં લેવા માટે 1500 રૂપિયા માગ્યા પણ અમે આપ્યા ન હતા. કારણ કે, અમે બધી જરૂરિયાત પૂરી પાડીએ છે.
માતા-પિતાએ ટીમને વધુમાં જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી દીકરી સતત મોબાઈલમાં વ્યસ્ત રહે છે. એક રૂમમાં એકલી જ રહે છે. મોબાઈલ લઇ લઈએ તો જીદ કરે છે અને ચપ્પુથી પોતાના હાથ ઉપર ચીરા પાડે છે. ઘરમાં ચીજ-વસ્તુઓ તોડી નાંખે છે. મોબાઈલમાં સતત ઉપયોગ કરી ખાવામાં પણ ધ્યાન આપતી નથી. એક છોકરો છે જેની સાથે જન્મ દિવસ માનવવા જવાની જીદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે.
આ દરમિયાન, અભયમની ટીમે યુવતીનું અસરકારક કાઉન્સલિંગ કર્યું તો જાણ્યું હતું કે, છોકરી એક વર્ષથી 18 વર્ષના કિશોરના સંપર્કમાં છે. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક બીજા સાથે ચેટિંગ કરે છે. એક વર્ષના ચેટિંગમાં કિશોરે યુવતીને અભદ્ર શબ્દોમાં ગાળો લખી દુરવ્યહાર કર્યો છે. ખરાબ ફોટો સેન્ડ કરી જાતિયસંબંધ માટે યુવતીને ગમે તેમ અપશબ્દોનો પ્રયોગ કર્યો છે. જેમાં તેણે યુવતીની માતાને પણ ગમે તેવા અભદ્ર શબ્દો બોલેલ છે. દીકરીને એજ છોકરાની સાથે લગ્ન કરવું હોઈ, મા-બાપ છોકરાને સારો માની લગ્ન માટે જાણ કરી હતી કે, હાલ લગ્નની ઉંમર નથી તો ઉંમર થઈ જાય પછી કરીશુ. પરંતુ માતા-પિતા અજાણ હતા કે, એ છોકરાએ તેમની દીકરી તેમજ માતા- પિતા અને માસી વિશે મેસેજમાં અપશબ્દો વાપર્યા છે.
અભયમની ટીમે છોકરાને બોલાવી બન્નેનું વ્યક્તિ કાઉન્સિલિંગ કર્યું હતું અને પોસ્કો કાયદાકીય માહિતી આપી હતી. પરંતુ યુવતીએ ટીમની સામે કટરથી નસ કાપવાનો પ્રયત્ન કરતી હતી અને મોબાઈલની જીદ કરતી હતી. આથી ટીમ દ્વારા નજીકના પોલીસ સ્ટેશન જઇ આગળની કાર્યવાહી માટે માતા-પિતા દ્વારા અરજી અપાવી છે.
બીજા કેસમાં પણ 20 વર્ષની યુવતી મોબાઈલની જીદના કારણે ઘર છોડીને જતી રહે છે. ઘરે રૂમમાં દુપટો બાંધી મોબાઈલ વગર હું નહિ જીવું તેમ કહી માતા-પિતાને હેરાન કરતી હતી. 21 વર્ષના છોકરાની સાથે મોબાઈલ ઉપર સતત વાતો કરે છે. માતા-પિતા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પ લાઇનની મદદ મેળવવી હતી. બન્ને કેસમાં આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.