- ફુડ સેફ્ટી ઓન વ્હીલ દ્વારા 10 સ્થળોએ 315 નમુના તપાસવામાં આવ્યા
વડોદરા શહેરની જાહેર જનતાનાં આરોગ્યને ધ્યાને રાખી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં વિવિધ ખાધ્ય ચીજોનું વેચાણ કરતી દુકાનોમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી દુધ અને દુધની બનાવટોના 22 નમુના લેવામાં આવ્યા હતા. ફુડ સેફ્ટી ઓન વ્હીલ (મોબાઇલ ટેસ્ટીંગ લેબોરેટરી) દ્વારા 10 સ્થળોએ 315 નમુના તપાસવામાં આવ્યા હતા, જ્યારે નવરાત્રી તેમજ દશેરા તહેવારને ધ્યાને રાખી ફાફડા તથા જલેબીનું વેચાણ કરતા મેનુફેકચરીંગ યુનીટો તેમજ દુકાનો, તંબુ વિગેરેમાં ઇંસ્પેકશનની કામગીરી દરમ્યાન ચેકીંગ કરી 105 નમૂના લઇ લેબમાં ચકાસણી માટે મોકલ્યા હતા.
વડોદરા શહેરની જાહેર જનતાનાં આરોગ્યને ધ્યાને રાખી મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્ય દ્વારા હાલમાં ચાલી રહેલ નવરાત્રી અને આવનાર દશેરાના તહેવારને ધ્યાને રાખીને ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરોની જુદી-જુદી ટીમો બનાવી વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતી દુકાનોમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી રહી છે.
ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા છેલ્લા 15 દિવસમાં વડૉદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારો જેવા કે કારેલીબાગ, સમા, સમા-સાવલી રોડ, ભાયલી, ગોત્રી, કડક બજાર, વાડી, માર્કેટ ચાર રસ્તા વિગેરે વિસ્તારોમાં આવેલ મેનુફેકચરીંગ યુનીટો, દુકાનો તેમજ તંબુ વિગેરેમાં ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવેલ. સદર ઇંસ્પેકશનની કામગીરી દરમ્યાન સોસ, ચટણી, પીઝા, ચીઝ, ફાફડા, જલેબી, ઘી, બેસન, સીંગતેલ, પામોલીન તેલ, કપાસીયા તેલ, ચટણી, બેસન, અન્ય રો-મટેરીયલ્સ, વિગેરેનાં કુલ-105 નમુના લેવામાં આવ્યા હતા. જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતે મોકલી આપવામાં આવેલ. તેમજ સદર વિસ્તારોમાં ફુડ સેફટી ઓફીસરઓ દ્વારા 67-સંસ્થાઓમાં ફોસ્કોરીસ ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી છે અને 3-ફુડ બીઝનેશ ઓપરેટરોને સ્વચ્છતા બાબતે શિડયુલ-4 ની નોટીસ આપવામાં આવી છે.
વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી ગાયનું દુધ, ઘી, બટર, દહી, પનીર, માવો, આઇસ્ક્રીમ વિગેરેના પેક અને લુઝ 22-નમુના લેવામાં આવ્યા હતા. નવરાત્રી તેમજ દશેરા તહેવાર નિમિત્તે ફુડ સેફ્ટી ઓન વ્હીલ (મોબાઇલ ટેસ્ટીંગ લેબોરેટરી) દ્વારા મકરપુરા, પ્રતાપનગર, ખોડિયારનગર, માંજલપુર, છાણી, અકોટા, લાલબાગ અને પાણીગેટ, સનફાર્મા રોડ, કારેલીબાગ વિસ્તારમાંથી દુધ અને દુધની બનાવટો, ખાધ્ય તેલો, મસાલા-તેજાના, પ્રીપેડ ફુડ, અનાજ-કઠોળ, ખાંડ વિગેરેના 315 નમુના સ્થળ પર જ તપાસવામાં આવેલ જે તમામ પ્રમાણસરના જણાઇ આવ્યા હતા.