- પ્રેમલગ્નના બે માસ બાદ યુવતીએ પિતાને ફોન કર્યો હતો, પિતાએ દીકરીને માફ કરવાને ફોન પર જણાવ્યું હતું કે, તું આખી જિંદગી ત્યાં જ જીવી લેજે
વડોદરાના ડબકાના યુવાન સાથે બે માસ પહેલા પ્રેમ લગ્ન કરનાર દીકરીએ પિતાને ફોન કર્યો હતો. જેમાં પિતાએ લગ્ન સ્વિકારી લઇ માફ કરવાને બદલે `તું આખી જિંદગી ત્યાંજ જીવી લેજે' કહેતાં દીકરીથી પિતાના આ કડવા વહેણ સહન ન થતો ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ બનાવ અંગે વડુ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, પાદરા તાલુકાના પીપળી ગામની 19 વર્ષિય પ્રવિણા જાદવ અને ડબકા ગામમાં કબીર ટેકરી ફળિયામાં રહેતા રાજુ ઉર્ફ કલો ગોહિલ એકબીજાને પ્રેમ કરતા હતા. બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ બંને આંતર જ્ઞાતી હોવાથી પરિવારજની મંજૂરી નહીં આપે તેવો તેઓને ડર હતો. આથી તેઓએ તા.12-5-2023ના રોજ ભાગીને રજિસ્ટર લગ્ન કર્યાં હતાં.
પ્રવિણા લગ્ન કર્યા બાદ પતિ રાજુ ઉર્ફે કલો ગોહિલની સાથે સાસરી ડબકામાં રહેતી હતી. લગ્નના બે માસ જેટલો સમય વિતી ગયા બાદ પ્રવિણાને એમ હતું કે, પરિવારજનોનો ગુસ્સો શાંત થઇ ગયો હશે. તેવા અનુમાન સાથે તેણે પિતાને ફોન કર્યો હતો, પરંતુ પિતાનો ગુસ્સો શાંત થયો ન હતો, પિતાએ દીકરીને માફ કરવાને બદલે ફોન ઉપર જણાવ્યું હતું કે, `તું આખી જિંદગી ત્યાંજ જીવી લેજે'. પિતા તરફથી અપેક્ષા મુજબ પ્રવિણાને જવાબ ન મળતા તે મનોમન દુઃખી થઇ ગઇ હતી. દરમિયાન શુક્રવારે બપોરના સમયે પતિ ગામની સીમમાં કુદરતી હાઝતે ગયો હતો. તે દરમિયાન પ્રવિણાએ ઘરમાં જ ફાંસો ખાઇ લીધો હતો, ધરે પરત ફરેલા પતિ રાજુએ પત્નીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા સ્તબ્ધ થઇ ગયો હતો.
બે માસનો સાથ આપી વિદાય લઇ લેનાર પત્નીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા પતિએ રોકકડ શરૂ કરી દીધી હતી. બે માસમાં જ વિઘુર બનેલા રાજુના રડવાનો અવાજ સાંભળી ફળિયાના લોકો એકઠા થઇ ગયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ દેવલભાઇ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ઘરી હતી.
ડબકા ગામમાં કબીર ટેકરી ફળિયામાં બનેલી આ કરુણ ઘટનામાં વડુ પોલીસે પરિણીતા પ્રવિણા (ઉં.વ.19)ના બે માસ પહેલાં જ લગ્ન થયા હતા. હાલ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ડબકા ગામમાં ભારે ચકચાર જગાવી મૂકી છે.