વડોદરામાં કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારની 72 વર્ષ જૂની પાણીગેટ ટાંકી તોડીને નવી બનાવાશે

વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટેની એક દરખાસ્ત મંજૂર કરવામાં આવી

MailVadodara.com - In-Vadodara-the-corporation-will-demolish-the-72-year-old-Panigate-tank-in-the-eastern-area-and-construct-a-new-one

- 18 લાખ લિટર ક્ષમતાની આ ટાંકી પરથી શહેરના ચાર દરવાજા, પાણીગેટ, વાઘોડિયા રોડ, આજવા રોડ, કિશનવાડી, વારસિયા વગેરે વિસ્તારને પાણી અપાય છે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં 72 વર્ષ જૂની પાણીગેટ ટાંકી તોડીને નવી બનાવાશે. સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટેની એક દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. 18 લાખ લિટર ક્ષમતાની પાણીગેટ ટાંકી 1953માં બનાવી છે. જેના 65 લાખ લિટરના બે ભૂગર્ભ સંપ છે, એ ઉપરાંત બીજા પણ બે સંપ છે. આ ટાંકી પરથી શહેરના ચાર દરવાજા, પાણીગેટ, વાઘોડિયા રોડ, આજવા રોડ, કિશનવાડી, વારસિયા વગેરે વિસ્તારને પાણી આપવામાં આવે છે.

આ ટાંકીનું નિરીક્ષણ કરતા સલાહકારે જણાવ્યું છે કે તે જર્જરિત થઈ ગઈ છે અને તોડી પાડીને નવી બનાવવાની જરૂર છે, તેવી સલાહ  આપવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને નવી ઓવરહેડ ટાંકી, અંડરગ્રાઉન્ડ સંપ, પંપ હાઉસ, ફીડર લાઈન, ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક વગેરે કામગીરી કરવાની થશે. આ માટે આશરે 25.10 કરોડ ખર્ચ થવાની સંભાવના છે. ટાંકીનું નિર્માણ અને પાંચ વર્ષ સુધી સંચાલન અને નિભાવણીની કામગીરી ઈજારદાર સંભાળશે. કોર્પોરેશન દ્વારા હજુ ગયા વર્ષે જ જેલ રોડ ખાતે નવી ઊંચી ટાંકી બનાવી છે, અને બજેટમાં વધુ બે નવી ટાંકી લક્ષ્મીપુરા અને સનફાર્મા રોડ ખાતે બનાવવાની જાહેરાત કરી છે.

Share :

Leave a Comments