વડોદરામાં લગ્નની લાલચે ઘરે લઈ જઈ સગીરા પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદ

શહેરના વારસિયા પોલીસ સ્ટેશનમાં જૂન 2020માં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી

MailVadodara.com - In-Vadodara-the-accused-who-raped-a-minor-for-two-years-after-taking-her-home-with-the-lure-of-marriage-was-sentenced-to-life-imprisonment

- કોર્ટે મદદ કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

- આરોપીએ કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનમાં 15 જૂન 2020ના રોજ દુષ્કર્મની એક ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદમાં 16 વર્ષીય સગીરાએ જણાવ્યું હતું કે, આરોપી દ્વારા લગ્નની લાલચે તેની ઉપર અવારનવાર કુકર્મ કરવામાં આવ્યું હતું. આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને પોલીસે મદદ કરનાર સહિત બેની ધરપકડ કરી હતી. જોકે આ કેસની ગંભીરતાને જોતા વડોદરા શહેરમાં દુષ્કર્મના આરોપીને સેસન્સ કોર્ટે આજીવન કેદ અને મદદ કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત સગીરાને વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં રહેતો આરોપી ફારુખ શેખ સગીરાને વારસિયા રિંગ રોડ પર આવેલા કમલ પાર્કમાં આરોપી અંકિત સુરેન્દ્ર દૂધનાથ મિશ્રાના ઘરે લઈ જતો હતો અને છેલ્લાં બે વર્ષથી અવારનવાર સગીરા ઉપર દુષ્કર્મ આચરતો હતો. આ ઉપરાંત કિશનવાડી નજીક આવેલા હાઉસિંગનાં મકાનોમાં લઈ જઈ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતો હતો. સગીરાને આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.


સગીરાએ આ અંગે પરિવારને વાત કરતા આ મામલે ફારુખ શેખ અને અંકિત મિશ્રા સામે 15 જૂન 2020ના રોજ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે તત્કાલીન ઇન્ચાર્જ પીઆઇ એસ.એસ. આનંદે તપાસ શરૂ કરી હતી અને પોલીસે ફારુખ શેખ અને અંકિત મિશ્રાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સાક્ષીઓ અને સગીરાનું નિવેદન લેવાયું હતું. આ ઉપરાંત કલમ 164 મુજબ સગીરાનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમજ મેડિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓ પણ પોલીસે એકત્ર કર્યાં હતા.

વારસિયા પોલીસે પૂરતા પુરાવાઓ સાથે કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ અંગે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા વડોદરા સેસન્સ કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને દોષિત ફારુખ શેખને આજીવન કેદ અને 10 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી. દંડની રકમ ન ભરે તો વધુ 3 મહિનાની સાદી કેદની સજા ફટકારી હતી.

આ ઉપરાંત દોષિત અંકિત મિશ્રાને 20 વર્ષની સખત કેદની સજા અને 5 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. જો દંડની રકમ ન ભરે તો બે મહિનાની વધુ સાદી કેદની સજા ફટકારી છે. તેમજ પીડિત સગીરાને વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

Share :

Leave a Comments