- શહેરની કાચી-પાકી કાંસો, ડ્રેનેજ અને પ્રિમોન્સૂન કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું
વડોદરામાં હાઇવે વાટે પ્રવેશતા ઉપરવાસના વરસાદી પાણીનો ભરાવો રોકવા મ્યુનિસિપલ કમિશનરે શહેરની કાચી પાકી- કાંસો સહિતના સ્થળોએ ડ્રેનેજ, સફાઈ -પ્રિમોન્સૂન સહિતની કામગીરી બાબતે નિરીક્ષણ કરી વરસાદી પાણી રોકવા અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા છે.
વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન ઉપરવાસમાંથી વરસાદી પાણી પ્રતિ વર્ષ વડોદરા શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાંથી પ્રવેશે છે. તાજેતરમાં આ વરસાદી પાણી હાઇવેના કાચા વરસાદી કાંસ મારફતે જાંબુઆ તરફ ડાયવર્ટ કરવા પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેને કામગીરીનું નિરીક્ષણ કરી વુડા સાથે સંકલન કર્યું હતું. અને આ બાબતે વુડાને પણ પત્ર લખ્યો હતો. ત્યારે વુડાના હવાલા સાથે વડોદરા કોર્પોરેશનના કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળતા દિલીપકુમાર રાણાએ આજે ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીનો શહેરમાં પ્રવેશ રોકવા સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે રુપારેલ, મસ્યા તથા ભૂખિ કાંસ, હાઈવેની સ્થળ વિઝિટ કરી સફાઈ, ડ્રેનેજ અને પ્રિમોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અને આ ચોમાસાની ઋતુ દરમિયાન વડોદરા શહેરમાં ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીનું પ્રમાણ ઘટે તેવી ત્વરિત કામગીરીની સૂચનાઓ અધિકારીઓને આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુ દરમિયાન અનેક વખત વરસાદ વરસતા લોકોના ઘરોમાં વરસાદી પાણી પ્રવેશતા નુકસાની પહોંચે છે.