- થોડા સમય અગાઉ કોંગ્રેસમાં સદંતર નિષ્ફ્ળ રહેલા અને ભાજપમાં આવેલા એક નેતાને કોંગ્રસને તોડવાનું કામ કરશે..!!
- હાંસિયા પર ધકેલાયેલી કોંગ્રેસના બિનજરૂરી કાર્યકરોને પોખતા પહેલા ભાજપના સંનિષ્ઠ કાર્યકરોનો અભિપ્રાય ના લેવો જોઈએ..?
- શિસ્ત ને વરેલા પક્ષનું કોંગ્રેસી કરણ કરી ભાજપના કેટલાક નેતાઓ તેમનો સ્વાર્થ સાધી શકશે..?
લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે ભાજપનો ભરતીમેળો વડોદરામાં પણ શરૂ થવાની સંભવાનાઓ વધી ગઈ છે. જો કે વડોદરામાં ભાજપના ભરતી મેળા માટે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ વધુ ઉત્સાહી જણાઈ રહ્યા છે.
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે દેશભરમાં ભાજપ દ્વારા ભરતી મેળો શરૂ થઈ ગયો છે. ભાજપને નડે અને અડે એવા વિરોધ પક્ષના નેતાઓને ભાજપા લાલજાજમ પાથરી ઓવરણા લઈ પોંખી રહ્યું છે. ગુજરાતમાં પણ કોંગ્રેસના બે ચાર ધારાસભ્યો ભાજપના શરણે ગયા છે. બાકી જે કોંગ્રેસમાં કાંઈ ધોળી નથી શક્યા એવા નેતાઓ પણ ભાજપના હાથ મજબૂત કરવાનો દાવો કરી પલ્ટી મારી રહ્યા છે. વડોદરામાં ભાજપના ભરતી મેળાનો એક તબક્કો થોડા સમય અગાઉ જ પૂરો થઈ ચુક્યો છે. હવે લોકસભાની ચૂંટણી નજીક છે. આધારભુત માહિતી મુજબ લોકસભાની ચૂંટણી પૂર્વે વડોદરામાં ફરી એકવાર ભાજપનો ભરતી મેળો શરૂ થશે. હવે અહીં પ્રશ્ન એ છે કે વડોદરા ભાજપ નો ગઢ ગણાય છે, ત્યારે અહીં કોંગ્રેસની જરૂર કેમ પડે છે ? મહત્વનું એ છે કે વડોદરામાં પાલિકામાં છેલ્લા ૨૮ વર્ષથી ભાજપનું રાજ છે. ૨૦૦૨ થી વડોદરામાં વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. લોકસભાની બેઠક વર્ષોથી ભાજપના ફાળે જાય છે. તો પછી વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો કે નેતાઓને પોંખવાની શી જરૂર ? રાજકારણમાં પક્ષ કરતા પોતાનો સ્વાર્થ સર્વોપરી હોય છે. આવા જ સ્વાર્થને પ્રાધન્યતા આપવા ભાજપના કેટલાક નેતાઓ પોતાનું સારુ બતાવવા કોંગ્રેસના બિનજરૂરી નેતાઓને ભાજપમાં લાવવા હરખપદુડા થશે. આધારભુત માહિતી મુજબ આ કામ થોડા સમય અગાઉ કોંગ્રેસમાંથી આવેલા એક નિષ્ફ્ળ નેતાને આ જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આ નેતાએ કોંગ્રેસને હાંસિયામાં ધકેલવામાં સિંહફાળો આપ્યો છે. આ નેતા જયારે કોંગ્રેસમાં સક્રિય થયા ત્યારબાદ તેમનો વિકાસ હરણફાળ થયો અને કોંગ્રેસ ધીરે ધીરે હાંસિયા પર ધકેલાતું ગયું. ખેર, જે પોતે નિષ્ફ્ળ રહ્યા એ કોંગ્રેસને તોડવામાં ભાજપને મદદ કરશે. આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે પાલિકાના કોંગ્રેસના કેટલાક કાઉન્સિલરો પર ભાજપનો ડોળો રહેશે. કોંગ્રેસના ત્રણ થી ચાર કાઉન્સિલરોના સંપર્ક શરૂ થઈ ચુક્યા હોવાની ચર્ચા છે. આ બધાની વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે વડોદરામાં મજબૂત ભાજપમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓની આગતા-સ્વાગતા પહેલા શું ભાજપના સંનીષ્ઠ કાર્યકરો કે નેતાઓને પૂછવું જરૂરી નથી ? આટલા મોટા પક્ષમા જયારે એક થી એક ચઢીયાતા અને આવડત ધરાવતા કાર્યકરો કરી નેતાઓની કમી નથી ત્યારે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ એવું તે શું કરશે કે જે ભાજપના કુશળ નેતાઓ નહીં કરી શકે ? શું કોંગ્રેસના નેતાઓ કે કાર્યકરોની પરોણાગતી પક્ષના વફાદાર નેતાઓ સ્વીકારશે ? શિસ્તના નામે આવા નેતાઓ ભલે ચૂપ રહે પરંતુ આની દુરોગામી અસર નહીં થાય ? શું એકવાર આવા સંનીષ્ઠ કાર્યકરો કે નેતાઓનો અભિપ્રાય ના લેવો જોઈએ ? જ્યાં કોંગ્રેસ પહેલાથી જ હાંસિયા પર છે ત્યાં કોંગ્રેસથી ભાજપને નુકસાન કેવી રીતે થઈ શકે ? ભાજપના ભરતી મેળા ને કેટલાક ભાજપના નેતાઓ ભલે પોતાની આવડત સાબિત કરવાનું શસ્ત્ર ગણતા હોય પરંતુ હાઈ કમાન્ડ જાણે જ છે કે આવા નેતાઓની આવડત કેટલી છે. કોંગ્રેસના બિનજરૂરી મુઠ્ઠીભર નેતાઓ કે કાર્યકરો ભાજપમાં લાવવાથી હાઈ કમાન્ડ ખુશ થશે એવું માનનારા ભાજપના નેતાઓ તેમનો સ્વાર્થ સાધી શકશે કે નહીં એ આવનારો સમય બતાવશે....