- વેપારીઓને ભારે આર્થિક નુકશાન, વળતર આપવા માગ, પાલિકા સામે વેપારીઓએ રોષ ઠાલવ્યો
- સ્લમ, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, ઝૂંપડાવાસીઓની ઘરવખરી પલળી ગઈ
હવામાન વિભાગની આગાહી વચ્ચે મોડી રાત્રે વડોદરા શહેરમાં સાંબેલાધાર 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણીથી તરબતર થઈ ગયું હતું. મોડી રાત્રે મેઘરાજાએ બોલાવેલી ધબધબાટીના પગલે વડોદરા શહેરમાં બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મધ્યમથી ભારે વરસીને અદૃશ્ય થઈ જતા હતા, પરંતુ મોડી રાત્રે શહેર ઉપર ઓળઘોળ થઇ જતા શહેરના વિવિધ વિસ્તારોમાં બેઝમેન્ટમાં દુકાનો ધરાવતા અને ઓફિસો ધરાવનારા વેપારીઓ અને ઓફિસ સંચાલકો ઉંઘતા ઝડપાયા હતા. વેપારીઓએ પાલિકા તંત્ર સામે રોષ ઠાલવી વળતરની માગ કરી હતી.
આખી રાત દરમિયાન વરસેલા ભારે વરસાદને પગલે દુકાનો-ઓફિસોમાં 3થી 4 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા. મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હોવાની માહિતી વેપારીઓને સવારે થતા વેપારીઓ દુકાનો ઉપર પહોંચી ગયા હતા અને કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ભરાયેલા પાણી જોઈને ચોંકી ઉઠ્યા હતા. વેપારીઓ માટે પાણીનો નિકાલ કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો ન હતો. બેઝમેન્ટની દુકાનોમાં ભરાયેલા પાણીના પગલે વેપારીઓના માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેના પગલે વેપારીઓને પણ ભારે આર્થિક ફટકો પડ્યો હતો.
શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ફોનિક્સ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા 50 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓના માથે આભ ફાટ્યું હતું. વેપારીઓ દ્વારા પાણીની મોટર મૂકીને પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. વેપારીઓએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા કોમર્શિયલ ટેક્સ વસુલ કરવામાં આવે છે, પરંતુ તેની સામે કોઈ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી.
વેપારીઓએ એમ પણ જણાવ્યું હતું કે, ડ્રેનેજ લાઈનો અને વરસાદી કાંસની સાફ-સફાઈના અભાવના કારણે બેઝમેન્ટમાં દુકાનો ધરાવતા વેપારીઓને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. કોર્પોરેશન દ્વારા વેપારીઓને વળતર આપવું જોઈએ તેવી પણ વેપારીઓએ માગણી કરી હતી. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી બેઝમેન્ટની દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓને ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા હતા. આ ઉપરાંત વડોદરા શહેરમાં આવેલી આદ્યોગિક વસાહતો સરદાર એસ્ટેટ, મકરપુરા જી.આઇ.ડી.સી.માં પણ પાણી ભરાઇ જતાં ઉદ્યોગકારોને નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા હતા.
મોડી રાત્રે વરસેલા વરસાદે વેપારીઓની સાથો સાથ સ્લમ, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો મળ્યા છે. લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ઘરવખરી સામાન પલળી જતાં સ્લમ વિસ્તારના લોકોને બપોરનું ભોજન કરવું મુશ્કેલ બન્યુ હતું. જોકે, કેટલીક સામાજિક સંસ્થાઓને આ બાબતની જાણ થતાં તેઓ ખીચડી-શાક લઇ મદદે પહોંચી ગયા હતા. મોડી રાત્રે વરસેલા ભારે વરસાદે શહેરમાં હાહાકાર મચાવ્યો હતો.