- યુવકનો મોબાઈલ અને મિત્રની બાઇક લૂંટીને ચારેય શખ્સો ગોલ્ડન ચોકડી તરફ ભાગી ગયા
વડોદરાના આજવા રોડ પર રહેતા યુવકનું બાઇક પર અપહરણ કરીને આજવા રોડથી ગોલ્ડન ચોકડી તરફ લઈ ગયા હતા. ત્યારબાદ ચાર જણાએ મને માર માર્યા બાદ મારો મોબાઈલ અને મિત્રની બાઇક લૂંટીને ગોલ્ડન ચોકડી તરફ ભાગી ગયા હતા. જેથી, યુવકે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના આજવા રોડ પર આવેલી અમરદીપ ટાઉનશીપમાં રહેતા કાનજીભાઈ પર્વતસિંહ રાજપૂતે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું છેલ્લા એક માસથી આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવ પાસે કોમ્પ્લેક્ષમાં બેઝિક પ્લસ ટેલી કોમ્પ્યુટર કોર્સ કરું છું. મારા પિતાજી પર્વતસિંહ રાજપુત ટ્રક ડ્રાઈવર છે. ગઇકાલે 10 મેના રોજ રાત્રીના સાડા આઠેક વાગે હું જમ્યા પછી એકટીવા લઈને રજવાડી હોટલ આજવા ચોકડી પાસે જવા નીકળ્યો હતો. આ સમયે કરણ રાજપુત, તેનો મિત્ર નિર્મલ ભૈરવસિંહ રાજપુત અને નિર્મલ ગુમાનસિંહ શેખાવત હોટલમાંથી ચા પીતા હતા. તે દરમિયાન કરણ રાજપુતનો મિત્ર રાહુલ ખટીક કાર લઇ આવ્યો હતો, જેમાં 4 શખસો બેઠેલા હતા ત્યારે રાહુલે કરણ રાજપુતને તારો ભાઈ શક્તિ ક્યા છે, મારે તેની પાસેથી રૂપિયા 50,000 લેવાના છે, ફોન લગાવ વાત કરાવ મારે હિસાબ લેવાનો છે ત્યારે કરણે શક્તિ રાજસ્થાન છે, તેમ જણાવ્યુ હતું. ત્યારબાદ મને બે ઇસમોએ કરણ રાજપુતની બાઇક પર બળજબરીપૂર્વક ઊંચકી વચ્ચે બેસાડી અપહરણ કર્યું હતું.
આજવા બ્રિજથી ગોલ્ડન ચોકડી તરફ હાઈ-વે પર ઉતારી માર માર્યા બાદ મારી પાસેની મોબાઇલ લૂંટ કરી હતી. ત્યારબાદ કરણ રાજપુતની બાઈક લઈને ગોલ્ડન ચોક્ડી હાઈ-વે તરફ કાર લઇને ભાગી ગયા હતા. રાહુલ ખટીક સહિતના 4 શખસો મારી પાસેથી મોબાઇલ અને બાઇક મળી 32 હજારની મતાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જેથી આ મામલે 4 શખ્સો સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.