વડોદરામાં વિદેશ મોકલવાના નામે 73 લોકો સાથે 3.44 કરોડની ઠગાઇ કરનાર પિતા-પુત્ર ઝડપાયા

ભેજાબાજ પિતા-પુત્રએ નિઝામપુરામાં સાંઈ કન્સલટન્ટસી નામે ઓફિસ શરૂ કરી હતી

MailVadodara.com - In-Vadodara-father-and-son-who-defrauded-3-44-crores-along-with-73-people-in-the-name-of-sending-them-abroad-were-arrested

- ફતેગંજ પોલીસે ફરાર પિતા-પુત્રની અમદાવાદના બોપલ ખાતેથી ધરપકડ કરી

શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા કૃણાલ કોમ્પ્લેક્ષમાં સાંઈ કન્સલટન્ટસી નામે ઓફિસ શરૂ કરીને ભેજાબાજ પિતા-પુત્રએ 73 જેટલા વિદેશ વાંચ્છુકો પાસેથી 3.44 કરોડ લઇને રફૂચક્કર થઇ ગયા હતા. પિતા-પુત્રો સામે એક પછી એક ફરિયાદો નોંધાતા ફતેગંજ પોલીસે ફરાર પિતા-પુત્રની અમદાવાદના બોપલ ખાતેથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


મળેલી માહિતી પ્રમાણે ઠગ પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પુત્ર રીંકેશ શાહે કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. જોકે, અદાલતે રીંકેશ શાહની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ઠગ પિતા રાજેન્દ્ર શાહ અને પુત્ર રીંકેશ શાહ અમદાવાદના બોપલ ખાતે છે. જેથી પોલીસ બોપલ ખાતે વોચ ગોઠવીને ઠગ પિતા-પુત્રને ઝડપી પાડ્યા હતા અને બંનેને વડોદરા લાવી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પિતા-પુત્રના રિમાન્ડ માટે પણ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે, શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા નિલાબહેન પરમારે ફતેગંજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે કેનેડા જવાનું હોવાથી મારી ભત્રીજી દ્વારા જુલાઇ-2022માં નિઝામપુરાના કૃણાલ કોમ્પ્લેક્સ ખાતેની સાંઇ કન્સલટન્સી નામની ઓફિસે ગયા હતા. જ્યાં સંચાલક રાજેન્દ્ર મનહરલાલ શાહ અને તેના પુત્ર રીંકેશ મનહરલાલ શાહને મળ્યા હતા. તેઓએ કેનેડાના વિઝા માટે મારી પાસેથી રૂપિયા 5 લાખ લીધા હતા. પરંતુ વિઝા નહિં મળતાં મેં આપેલ રકમ પરત માંગતા મને 2 લાખ પરત આપ્યા હતા. ત્યારબાદ બાકી રકમ લેવા માટે ફોન કરતા તેમના ફોન બંધ આવતા હું તેમની ઓફિસે ગઈ હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, પિતા-પુત્ર ઓફિસ બંધ કરીને ફરાર થઇ ગયા છે.

Share :

Leave a Comments