- ચાર રસ્તાઓ ઉપર ઉભી રહેતી લારીઓને ચાર રસ્તાથી 50 મીટર દૂર ટ્રાફિકને નડતરરૂપ ના થાય એ રીતે દૂર કરવામાં આવશે!
વડોદરા શહેરમાં સતત વધતા જતા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખી અને ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થાય તેમજ લોકોને રાહત મળી રહે તે માટે કોર્પોરેશનમાં મીટીંગ થઈ હતી. જેમાં ટ્રાફિક સર્કલોનું કદ ઘટાડી નાનું કરવું તેમજ રોડ લાઈનમાં આવતા લાઈટના થાંભલા કે જે ટ્રાફિકને નડતરરૂપ છે તે દૂર કરવા સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
કોર્પોરેશનના હોદ્દેદારો અને ડી.સી.પી. ટ્રાફિક, એ.સી.પી. ટ્રાફિક, રોડ પ્રોજેકટના કાર્યપાલક તથા વોર્ડના એનજીનીયરની ઉપસ્થિતિમાં સુશેન સર્કલ, ગંગાનગર સર્કલ તથા તરસાલી સર્કલની મુલાકાત કરવામાં આવી હતી. શહેરમાં આવા બીજા મોટા ટ્રાફિક સર્કલો આવેલા છે, ત્યાં તબક્કાવાર ખાસ કરીને સાંજના સમયે છ થી આઠ વાગ્યા દરમિયાન ટ્રાફિક ખૂબ રહે છે, ત્યારે ટ્રાફિક વિભાગના અધિકારીઓ સાથે જઈને શું મુશ્કેલીઓ પડે છે તે સંદર્ભે જાત નિરીક્ષણ કરવામાં આવશે.
આ ઉપરાંત ટ્રાફિક વિભાગ દ્વારા સમસ્યાના નિવારણાર્થે રોડ પર નડતર રૂપ સ્ટ્રીટ લાઈટના પોલ સહિત અન્ય દબાણોનો પણ સર્વે કરવામાં આવશે અને તેના આધારે આવા પોલ દૂર કરવામાં આવશે. જરૂર જણાય ત્યાં રોડ વાઇડનીગ કરવા, ચાર રસ્તાઓ ઉપર ઉભી રહેતી લારીઓને ચાર રસ્તાથી 50 મીટર દૂર ટ્રાફિકને નડતરરૂપ ના થાય એ રીતે દૂર કરવામાં આવશે. ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક સિગ્નલો મુકવા ઉપરાંત જરૂર જણાય ત્યાં સર્કલ નાના કરવામાં આવશે. આગામી સમયમાં મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવશે.