- કમોસમી વરસાદમાં વેપારીઓની પતંગો-દોરા પલળી જતાં વેપારીઓને મોટું નુકશાન
મધ્ય ગુજરાતમાં હાલ પડી રહેલ કડકડતી ઠંડી વચ્ચે વડોદરા શહેર-જિલ્લા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પસાર થઇ રહ્યો છે, ત્યારે વડોદરા શહેર-જિલ્લામાં ગત મોડી રાત્રે અને આજે વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. પથંકમાં ખાબકેલું માવઠું વેપારીઓ, ખેડૂતો અને રોડ પર રહેતા ગરીબો માટે મુસીબત બન્યું હતું. તો બીજી તરફ ઉતરાયણ નજીક હોવાથી લોકો પતંગ બજારમાં ખરીદીના ઉત્સાહમાં હતાં, પરંતુ માવઠું ત્રાટકતા પતંગ બજારમાં દોડધામ મચી ગઇ હતી. ગ્રાહકોએ વરસાદથી બચવા અને વેપારીઓએ પતંગો બચાવવા માટે દોટ મૂકી હતી. વરસાદને પગલે વહેલી સવારે ઠંડીનો સુસવાટો અનુભવાયો હતો.
વડોદરામાં મોડી રાત્રે અને વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના છાંટા પડતા માર્ગો ભીંજાઈ ગયા હતા. વહેલી સવારે પડેલા વરસાદને કારણે પેપર વિતરકો, દૂધ સંચાલક કેન્દ્રો તેમજ સ્કૂલ જતા બાળકો એક તબક્કે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સવારે કામ-ધંધાર્થે નીકળેલા લોકોને ગરમ પોશાકોની સાથે રેઇન કોટ પણ પહેરીને નીકળવાની ફરજ પડી હતી, તો બીજી તરફ ઉત્તરાયણને આડે ગણતરીના દિવસો બાકી છે અને ડભોઇમાં ગઇકાલે મંગળવારે રાત્રે પતંગ બજારમાં પતંગ રસીયાઓથી ઉભરાયા હતા, ત્યાં રાત્રે એકાએક વીજળીના ચમકારા સાથે કમોસમી ધોધમાર વરસાદ શરૂ થતાં ગ્રાહકો-વેપારીઓએ દોડધામ કરી મૂકી હતી.
ઉતરાયણને લઈ વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે પંડાલોમાં ખુલ્લામાં પતંગો-દોરા સહિત વિવિધ ચીજવસ્તુઓ મૂકી હતી. પરંતુ કમનસીબે કમોસમી વરસાદ કારણે અનેક વેપારીઓની પતંગો વરસાદમાં પલળી ગયા હતા. મોટા ભાગની પતંગો વરસાદમાં પલળી જતાં વેપારીઓને મોટું નુકસાન પણ થયું છે. તેમજ ડભોઇ પંથકમાં કમોસમી વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
છેલ્લા એક સપ્તાહથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ભરૂચ સહીત વડોદરા શહેર અને તાલુકાના ડભોઇ, કરજણ, સાવલી, શિનોર, વાઘોડિયા સહીત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ધરતી પુત્રો ચિંતિત બન્યા છે અને ઘઉં, ચણા, કપાસ, તુવેર, મગ, મકાઈ જેવા શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ સતાવી રહી છે. તો બીજી તરફ ઠંડીનું જોર વધતાં ઝૂંપડાવાસીઓ અને ફૂટપાથ ઉપર રાત પસાર કરતા લોકોની દયનીય હાલત થઇ ગઇ હતી. અનેક લોકોએ તાપણાં સળગાવી ઠંડીથી રાહત મેળવવાની ફરજ પડી હતી.