વડોદરા શહેરમાં રોડની સાઇડમાં વર્ષો જૂના સુકાયેલા વૃક્ષોને રંગ કરી કલાત્મક રૂપ આપવા નવતર પ્રયાસ

વડોદરામાં પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ 34 સ્થળે આ પ્રકારે ઝાડને રંગબેરંગી સજાવશે

MailVadodara.com - In-Vadodara-city-a-new-attempt-is-made-to-give-an-artistic-look-to-the-old-dry-trees-by-painting-them-on-the-road-side

- રંગેલા ઝાડ પર રાત્રે સુશોભિત લાઇટિંગનો પણ શણગાર કરવામાં આવશે


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માર્ગો પરની ફૂટપાથ, ડિવાઇડર અને જાહેર સ્થળે રોડની સાઈડમાં વર્ષો જુના અને સુકાઈ ગયેલી હાલતમાં રહેલા વૃક્ષોને કાપવાને બદલે તેના પર રંગ કામ કરી રંગબેરંગી સજાવટ સાથે કલાત્મક રૂપ આપવાનો નવતર અભિગમ અપનાવાયો છે. શહેરમાં કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા એવા 34 સ્થળ શોધી કાઢવામાં આવ્યા છે. જ્યાં આ પ્રકારે સુકાઈ ગયેલા ઝાડ હોય ત્યાંથી આ ઝાડ કાપવાને બદલે તેને રંગથી સજાવટ કરવાની કામગીરી દિવાળી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. હાલ ઘણા સ્થળે આવા ઝાડ રંગી દેવામાં આવ્યા છે.


વર્ષો જૂના સુકાઈ ગયેલા ઝાડ જ્યાં નમી પડે તેવા હોય અથવા તો તેની ફરતેનો ઓટલો તૂટી ગયો હોય તો ઝાડને સપોર્ટ આપવા ઉપરાંત ઓટલો પણ ઠીક ઠાક કરી તેને પણ રંગવામાં આવશે. કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના વર્તુળોના કહેવા મુજબ વડોદરાની ઓળખ કલાનગરી તરીકેની છે, ત્યારે સુકાઈ ગયેલા ઝાડને રંગીને કલાત્મક સ્વરૂપ આપવાથી કલા નગરીની ઓળખ વધુ મજબૂત બનશે. હાલમાં કાલાઘોડા પાસે આવા સુકાયેલા ઝાડ રંગવામાં આવ્યા છે. જે દિવસે કલાત્મક દેખાશે, પરંતુ રાત્રે પણ ઝગમગી ઊઠે તે માટે તેને લાઈટ થી પણ સુશોભિત કરવામાં આવશે. વડોદરામાં જે 34 જગ્યા શોધી કાઢવામાં આવી છે, તેમાં કાલાઘોડા ઉપરાંત લાલબાગ, પ્રતાપ નગર બ્રિજ, મકરપુરા રોડ, માંજલપુર રોડ, અલકાપુરી રેલ્વે સ્ટેશન પાછળ નો વિસ્તાર, માંજલપુર સરસ્વતી ચોકડી થી ઈવા મોલ ડિવાઈડર વગેરેનો સમાવેશ થાય છે.

Share :

Leave a Comments