- ઘરકામ કરવા આવેલા રાહુલ અને આરતી નામના યુવક-યુવતી ઘરમાંથી જુદા-જુદા સ્ટોન અને હિરા સાથે બનાવેલા ૩૫ તોલાથી વધુ દાગીના અને રોકડ ચોરી ગયા
વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ વિસ્તારમાં એક સિનિયર સિટિઝન મહિલાએ ઘરકામ માટે રાખેલા બંટી-બબલી કલાકોમાં જ રૂપિયા ૧૦ લાખ ઉપરાંતની કિંમતના દાગીના ઉઠાવી ગયા હોવાનો બનાવ બનતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાસણા વિસ્તારના સનરાઇઝ પાર્કમાં રહેતા અને ફેક્ટરી ધરાવતા રવિકુમાર ચૌધરીએ પોલીસને કહ્યું છે કે, હું મારી પત્ની અને પુત્ર સિંગાપોરથી ગઇ તા.૧૮મીએ પરત આવ્યા ત્યારે ઉપરના રૂમમાં જોતાં લાકડાની તિજોરીઓ ખુલ્લી હતી અને સામાન રફેદફે હતો. જેથી ચોરીની શંકા જતાં મારા માતાને પૂછ્યું હતું. સિનિયર સિટિઝન વૃદ્ધાના જણાવ્યા મુજબ, આપણે ત્યાં કામ કરતી બાઇ બે મહિનાથી આવતી નહિં હોવાથી વોચમેનને કહી રાખ્યું હતું. જેથી તા.૧૦મીએ રાહુલ અને આરતી નામના બે યુવક-યુવતી મને મળવા આવ્યા હતા. તેમણે પહેલા દિવસે બે વાગ્યા સુધી કામ કર્યું હતું. બીજા દિવસે ફરી બંને જણા કામે આવ્યા હતા અને ૧૦ થી ૧ સુધી કામ કરી ચાલ્યા ગયા હતા પરંતુ ત્યારબાદ તેઓ આવ્યા નહતા. પોલીસની તપાસ દરમિયાન બંટી અને બબલી ઘરકામ કરવાના નામે જુદા-જુદા સ્ટોન અને હિરા સાથે બનાવેલા ૩૫ તોલાથી વધુ દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા ૧૦ લાખ જેટલી મત્તા ચોરાઇ હોવાનું જણાઇ આવ્યું છે. જે. પી. રોડના પીએસઆઇ આર. ડી. સોલંકીએ સીસીટીવી ફૂટેજ ઉપરાંત વોચમેન તેમજ અન્ય સોર્સની મદદ લઇ બંટી-બબલીનું પગેરું શોધવા કવાયત કરી છે.