- ગડદાપાટુ અને ડંડા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુલેટ લઈને નીકળેલા યુવાનને રસ્તામાં ઉભો રાખીને 6 લોકોએ ડંડા વડે માર માર્યો હતો. નવાયાર્ડ વિસ્તારમાં આવેલ રોશનપાર્કમાં રહેતા 24 વર્ષિય ગુલામ મુસ્તફા ઇસરારઅલી પઠાણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આજે સવારે 9 વાગ્યાની આસપાસ હું બુલેટ લઈને ગોરવા GIDC ખાતે નોકરી પર જઈ રહ્યો હતો. તે સમયે આરોપી અક્રમ ઉર્ફે મોનુ અનવર પઠાણ અને વશીમ સલાઉદ્દીન પઠાણે મને ધર્મસિંહ દેસાઈ રોડ પર આવેલા પંડિત દિનદયાળ સ્કૂલ પાસે મને રોક્યો હતો અને મારી સાથે ગાળાગાળી કરી હતી અને મને ડંડા વડે માર માર્યો હતો.
વધુમાં જણાવાયું છે કે, આ દરમિયાન આરોપી સલાઉદ્દીન પઠાણ અને ખાલીદ દફેદારખાન પઠાણ પણ ત્યાં આવી ગયા હતા અને મને ડંડા વડે માર મારવા લાગ્યા હતા. આરોપી અનવર દફેદારખાન પઠાણ અને કલામ દફેદારખાન પઠાણે આવીને મને ગડદાપાટુ અને ડંડા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મારા ડાબા પગમાં ફ્રેક્ચર થઇ ગયું હતું. આ મામલે ફતેગંજ પોલીસે આરોપી અક્રમ ઉર્ફે મોનુ અનવર પઠાણ, વશીમ સલાઉદ્દીન પઠાણ, સલાઉદ્દીન પઠાણ, ખાલીદ દફેદારખાન પઠાણ, અનવર દફેદારખાન પઠાણ અને કલામ દફેદારખાન પઠાણ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.