- અવારનવાર બાંધેલા શારીરિકથી ગર્ભવતી થયેલી સગીરાએ બાળકને જન્મ આપતા તેના ભરણ પોષણ માટે વળતર પેટે 3 લાખ ચૂકવવા હુકમ
વડોદરા શહેરમાં ધોરણ-12માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીનીને વિધર્મી યુવક લગ્નની લાલચે ભગાડી ગયા બાદ અલગ અલગ સ્થળોએ અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવવા અંગે માંજલપુર પોલીસ મથકે અપહરણ, બળાત્કાર, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે આ ગુનાઓમાં આરોપીને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદ તથા ભોગ બનનારને વળતર પેટે વિક્ટીમ કમ્પેનસેશન ફંડમાંથી રૂપિયા 3 લાખ ચૂકવવા હુકમ કર્યો છે.
ફરિયાદીને પોતાની 16 વર્ષની દીકરી અને આરોપી યુવક ફૈઝલ મહંમદઅલી વણકર (રહે-સોના ટેકરી, અવધૂત ફાટક પાસે, માંજલપુર) વચ્ચે પ્રેમ-પ્રકરણ ચાલતું હોવાની માહિતી જાણવા મળી હતી. જેથી દીકરીને શાળામાં મોકલવાનું બંધ કર્યું હતું. આ દરમિયાન દીકરી વહેલી સવારે કોઈને જાણ કર્યા વગર ડોક્યુમેન્ટ લઈ જતી રહી હતી. આ દરમિયાન આરોપી યુવક ફૈઝલના ઘરે તપાસ કરતાં તે પણ ઘરે મળી આવ્યો ન હતો. જેથી લગ્નની લાલચે દીકરીને ભગાડી જવા અંગે પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન આરોપી યુવકે સગીરાને મુંબઈ, ગોવા, મદ્રાસ, તામિલનાડુ તેના વતનમાં લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ બાળકીનો જન્મ થયો હતો.
આ કેસ અદાલતમાં ચાલી જતા ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી એ.પી.પી. એચ. આર. જોશી અને આરોપી પક્ષ તરફે ધારાશાસ્ત્રી એમ. એફ. ખત્રીએ દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ પાંચમા અધિક સેશન્સ જજ મકસુદઅહેમદ એમ. સૈયદએ નોંધ્યું હતું કે, પુરાવાનું મૂલ્યાંકન અને સુપ્રીમ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતને નજર સમક્ષ રાખતા આરોપીએ ભોગ બનનાર શકીર વયની હોવાનું જાણવા છતાં તેને ભગાડી જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી કરતા તેણીએ બાળકીને જન્મ આપેલ અને તે મુજબ આરોપીએ અપહરણ, બળાત્કાર, પોકસો મુજબનો શિક્ષાને પાત્ર ગુનો કરેલ હોવાનું ફરિયાદ પક્ષએ નિ:શંકપણે પુરવાર કરેલ છે.
ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે, આરોપીએ ગુનો આચાર્યો છે, તેનાથી ભોગ બનનારને બાળક થયું છે. અને તે બાળકના ભરણ પોષણની જવાબદારી ભોગ બનનાર સગીર યુવતીના માથે આવી છે. આરોપીને કાયદા મુજબની પૂરેપૂરી સજા કરવી જોઈએ. જેના કારણે સમાજમાં તેનાથી ગંભીર દાખલો બેસાડી શકાય અને ભોગ બનનારને કાયદા મુજબનું વળતર ચૂકવવું જોઈએ.