- ફાર્માસિસ્ટના પત્ની અને બહેનના ખાતામાંથી ઠગોએ ૩ લાખ ઉપાડી લીધા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાર્માસિસ્ટ સાથે ઓનલાઇન ઠગાઈનો કિસ્સો બન્યો છે. જેમાં ઠગ ટોળકીએ ફરી એકવાર જાણીતી કંપનીઓની કસ્ટમર કેર સાઈડ બનાવી હેલ્થ વર્કરને ફસાવ્યા હોવાની વિગતો બહાર આવી છે.
વડોદરામાં ગોરવા વિસ્તારમાં આવેલા વૃંદાવન પાર્કમાં રહેતા રાકેશભાઈ મોદીએ પોલીસને કહ્યું છે કે, મારી પુત્રીની બહેનપણીને યુએસ ખાતે પાર્સલ મોકલવાનું હોવાથી મેં બ્લૂડાર્ટનો ટોલ ફ્રી નંબર લઈ વાતચીત કરી હતી. મેં તેઓને કોલ કરી વિદેશમાં કવર મોકલવાનું હોવાની જાણ કરતા સામેવાળી વ્યક્તિએ અમારો માણસ ઘરે આવી કવર લઈ જશે અને પેક પણ કરી દેશે તેમ કહ્યું હતું. ત્યારબાદ ફોન પર વાત કરનાર વ્યક્તિએ રૂપિયા 700નો ચાર્જ અને રૂપિયા 5 બુકિંગ ચાર્જ આપવાની વાત કરી હતી. આ માટે એક ફોર્મ પણ ભરવાનું રહેશે તેમ કહ્યું હતું. તેણે મને લીલા કલરનું એક ફોર્મ મોકલ્યું હતું. પરંતુ તેના પર પેમેન્ટ થતું નહીં હોવાથી મેં ફરીથી તેઓને ફોન કર્યો હતો. જેથી તેણે કહ્યું હતું કે, હાલ ઓનલાઈન પેમેન્ટ બંધ છે અને મારો માણસ આવીને પેમેન્ટ લઈ જશે.
ફરિયાદી રાકેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, બીજા દિવસે કુરિયર વાળો આવ્યો ન હતો અને તેને ફોન કરીને એક દિવસ પછી આવીશ તેમ કહ્યું હતું. તા. 5મી ડિસેમ્બરે મેં ફરીથી ફોન કરતા ફોન રિસીવ થયો ન હતો જેથી મેં આ બીજા કુરિયર મારફતે પાર્સલ મોકલી આપ્યું હતું. આ દરમિયાનમાં હું લગ્ન પ્રસંગે બહારગામ ગયો હતો ત્યારે તા.8એ એચડીએફસીમાંથી મને કોલ આવ્યો હતો અને એનું રૂપિયા 99 હજારનું પેમેન્ટ થઈ રહ્યું હોવાની વાત કરતા મેં આ પેમેન્ટ સ્ટોપ કરાવ્યું હતું. પરંતુ ત્યારબાદ મારી પત્નીના બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી તેમજ મારી બહેનના એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 3 લાખ ઉપડી ગયા હોવાની માહિતી મળી હતી. જેથી ફરિયાદ આધારે સાયબર સેલ પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.