વડોદરામાં અગમ્ય કારણોસર ઉગ્ર બોલાચાલી થતાં એક મિત્રે બીજા મિત્રને છરીના ઘા ઝીંકી રહેંસી નાખતાં મોત

ઉંડેરાની બંધ સ્કૂલમાં ભાડેથી રહેતા બે પરપ્રાંતીય મિત્રો વચ્ચે ઝઘડો થતાં ખૂની ખેલ ખેલાયો

MailVadodara.com - In-Vadodara-a-friend-stabbed-another-friend-to-death-due-to-a-heated-argument-due-to-unexplained-reasons

- પોલીસે વિવિધ ટીમો બનાવી ઘટનાના ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપી મિત્ર આયુષ યાદવને અમદાવાદ પાસેથી દબોચી લીધો


વડોદરા શહેર નજીક આવેલા ઊંડેરામાં આવેલી બંધ સ્કૂલમાં ભાડે રહેતા 4 પરપ્રાંતીય યુવક પૈકી બે વચ્ચે અંગત અદાવતમાં ખૂની ખેલ ખેલાયો છે, જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ મામલે જવાહરનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો તાપસમાં જોડાઈ છે. પોલીસે વિવિધ ટીમો બનાવી હત્યારાને અમદાવાદ પાસેથી દબોચી લીધો છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.



વડોદરા શહેર નજીક આવેલા ઊંડેરામાં બંધ સ્કૂલમાં સવારે ખૂની ખેલ ખેલાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ બનાવમાં બંધ સ્કૂલમાં ભાડેથી રહેતા બે પરપ્રાંતીય મિત્રો વચ્ચે ઝઘડો થતાં ખૂની ખેલ ખેલાયો છે. એમાં બે મિત્રો વચ્ચે ભોજન બાબતે ઝઘડો થતાં એક મિત્રએ બીજા મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાની હાલમાં પ્રાથમિક વિગતો સામે આવી છે. આ બનાવમાં આરોપી આયુષ યાદવે તેના જ મિત્ર ધીરજ સુરેશદાસ (ઉં.વ. 23)ની છરીના ઘા મારી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.


આ મામલે જવાહરનગર પોલીસનો સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં હત્યા કરનાર આરોપી મિત્રને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે વિવિધ ટીમો બનાવી હત્યારા મિત્ર આયુષ જાદવને અમદાવાદ પાસેથી દબોચી લીધો છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. બીજી તરફ પોલીસે આ સાથે બંધ સ્કૂલના રૂમો માલિકે પરપ્રાંતીય યુવકોને ભાડે આપી હતી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ યુવકો એન્જિનિયરિંગ કંપનીમાં કોન્ટ્રેક્ટ પર કામ કરતા હતા અને રૂમમાં 4 યુવાન રહેતા હોવાનું હાલમાં સામે આવ્યું છે. 


ડીસીપી જે.સી. કોઠિયાએ જણાવ્યું હતું કે ધીરજદાસ નામની વ્યક્તિએ તેના સાથી મિત્રનું મર્ડર કર્યું છે. ઘટના બાદ આરોપી નાસી ગયો હતો. હાલ 7 જેટલી ટીમ તપાસ કરી રહી છે. સીસીટીવી અને ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી રહી છે તેમજ મૃતકનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં વડોદરા શહેરમાં પણ દિન-પ્રતિદિન હત્યાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. હત્યા કરનાર પોતાના જ રૂમમાં રહેતા મિત્રને જ મોતને ઘાટ ઉતરતાં ચકચાર મચી જવા પામી છે. થોડાક દિવસ અગાઉ જ લૂંટના ઇરાદે પાડોશીના સાવકા દીકરાએ 70 વર્ષીય વૃદ્ધાની હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો.આ ઉપરાંત વળી ભાજપના બક્ષીપંચ મોરચાના શહેર મંત્રીની પણ બે ભાઈઓ દ્વારા હત્યા કરાઈ હતી. ત્યારે અઠવાડિયામાં સમયમાં જ આ હત્યાનો ત્રીજો બનાવ ઉંડેરા વિસ્તારમાં બનવા પામ્યો છે. ત્યારે એક બાદ એક હત્યાના બનાવો સંસ્કારીનગરી માટે એક ચિંતાનો વિષય બન્યો છે.

Share :

Leave a Comments