શહેરમાં નાગરવાડા વિસ્તારમાં ગત રાત્રે મોટી સ્ક્રિન પર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોતી વખતે બે મિત્રો વચ્ચે ઝઘડો થયા બાદ મારામારી થઈ હતી. આ દરમિયાન એક મિત્રએ બીજા મિત્રને તિક્ષ્ણ હથિયારનો ઘા મારી દેતા બીજો મિત્ર ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે ઇજાગ્રસ્ત યુવકની માતાએ નોંધાવેલી ફરિયાદ આધારે કારેલીબાગ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના નાગરવાડા નવીધરતી ખાતે રહેતા નિરાલીબેન કિરીટભાઈ રાણા (ઉં.વ.43)એ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે 7.30 વગ્યાની આસપાસ હું મારી માતાના ઘરે જમવા માટે ગઈ હતી. જ્યાં રાણાવાસની વાડીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટેની મોટી સ્ક્રિન મુકવામાં આવી હતી. જ્યાં અમારા રાણાવાસના બધા લોકો ક્રિકેટ મેચ જોતા હતા. મારો દીકરો નયન કિરીટભાઈ રાણા (ઉં.વ.25) અમારી સાથે જમવા માટે આવ્યો નહતો અને તે તેના મિત્ર માનવ ચંદ્રકાન્ત રાણા સાથે ક્રિકેટ મેચ જોતો હતો. તે સમયે મારા દીકરા નયન અને માનવ વચ્ચે બોલાચાલી થયા બાદ ઝગડો થયો હતો. જેથી હું અને મારી બહેન છાયાબેન સંદિપભાઈ રાણા મારા દીકરા નયમને સમજાવીને રાણાવાસની વાડીમાંથી બહાર લાવ્યા હતા.
ત્યારબાદ રાત્રિના 8.30 વાગ્યાની આસપાસ માનવ રાણા, ભોલાભાઈ, દક્ષેશ અને પપ્પુ જગદીશ રાણા અચાનક વાડીની બહાર આવ્યા હતા. જ્યાં નયન સાથે ગાળાગાળી કરી ઝગડો કરવા લાગ્યા હતા અને મારા દીકરાને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. તે સમયે માનવ રાણા પાસે કોઈ તિક્ષ્ણ હથીયાર હોવાથી તેને મારા દીકરા નયનને કપાળના ભાગે મારી દીધુ હતું.
તિક્ષ્ણ હથિયાર મારતા નયન ઇજાગ્રસ્ત થયો હતો અને તેને આજુબાજુના લોકોએ છોડાવ્યો હતો. આ સમયે મારા દીકરાને લોહી નિકળતું હોવાથી તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે કારેલીબાગ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.