- ઇનામમાં કાર લાગી હોવાનું કહી આરોપી જતીન સત્યવીરસિંગે અલગ અલગ બહાને ટુકડે-ટુકડે કુલ 38.14 લાખ રૂપિયા અલગ-અલગ ખાતામાં ભરાવડાવ્યા હતા
વડોદરામાં 3 હજાર રૂપિયાની ખરીદી પર આકર્ષક ઇનામની લાલચ આપીને 38.14 લાખની છેતરપિંડીના કેસમાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરા સાયબર ક્રાઇમ બ્રાંચે દિલ્હીથી ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના અનિલ રસિકલાલ શાહે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને અજાણ્યા નંબર પરથી તેઓના ફોનમાં કોલ આવ્યો હતો, જેમાં તેઓને જણાવ્યું હતું કે Today Live Shoppingમાંથી તેઓને 3 હજાર રૂપિયાની ખરીદી પર આકર્ષક ઇનામ લાગશે. ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ફોક્સ વેગન પોલો કાર ઇનામમાં લાગી છે, તેમ જણાવીને આ ઇનામ મેળવવા માટે અલગ અલગ બહાને ટુકડે-ટુકડે કુલ 38.14 લાખ રૂપિયા અલગ-અલગ ખાતામાં ભરાવડાવ્યા હતા. ત્યારબાદ તેઓને પોતાની સાથે નાણાકિય છેતરપિંડી થઇ છે, તેવું જણાતા આ બાબતેની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેથી વડોદરા સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
આરોપી કોર્ટમાં હાજર રહેતો નહોતો અને નાસતો ફરતો હતો, જેથી કોર્ટમાંથી આરોપીનુ સી.આર.પી.સી. કલમ 70 મુજબનું વોરંટ ઇશ્યુ થયું હતું. જેથી વડોદરા સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ટેક્નિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરી દિલ્હી NCR અને ઉત્તર પ્રદેશ ખાતે બે ટીમ દ્વારા અલગ-અલગ ઠેકાણે રેકી કરી હતી અને આરોપી જતીન સત્યવીરસિંગ (ઉ.34) (અભ્યાસ બી.ટેક સિવિલ એન્જિનિયરિંગ), (રહે. મેરઠ, ઉત્તરપ્રદેશ)ને ઝડપી પાડયો હતો અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.