- છ મહિના પહેલાં ઠગે ઓનલાઇન કામ કરવાની સ્કીમ બતાવી મહિલા પાસેથી ધીરે ધીરે 1.69 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા
વડોદરામાં ઓનલાઇન ઠગાઈના બની રહેલા બનાવોમાં ટોળકી દ્વારા જુદી-જુદી રીતે ગ્રાહકોને ફસાવી રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવતા હોય છે. જેમાં એક મહિલા સાથે ઠગાઈ કરનાર ઠગને સાયબર સેલે છ મહિના બાદ ઝડપી પાડ્યો છે.
વાઘોડિયા રોડ વિસ્તારમાં સુખધામ રેસીડેન્સી નજીક રહેતી વૈદેહી નામની મહિલાને છ મહિના પહેલાં ઘેર બેઠા રૂપિયા 8000 કમાવાના નામે કોલ આવ્યો હતો અને ઠગે ઓનલાઇન કામ કરવાની સ્કીમ બતાવી હતી. જે પેટે મહિલાએ ડિપોઝિટ ભરી ટાસ્ક લેવાના હતા અને તેની સામે તેને વળતર મળવાનું હતું.
શરૂઆતમાં મહિલાને વળતર આપવામાં આવ્યું હતું પરંતુ ત્યાર પછી ટાસ્કની સંખ્યા વધારવામાં આવી હતી અને વળતર ચૂકવાયું ન હતું. મહિલાએ ધીરે ધીરે રૂ.1.69 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા પરંતુ તેની સામે વળતર નહીં મળતા તેણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં સાયબર સેલની ટીમે ધોરણ-12 નાપાસ થયેલા ધ્રુવ પંચાલ (રહે. પાયલ નગર, અમદાવાદ)ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.