- ક્રાઇમ બ્રાન્ચે ચારભુજા ડેવલપર્સના ભાગીદાર વિપુલ ભીમાણીની ધરપકડ કરી, અન્ય કોઈ સાથે છેતરપિંડી આચરી છે કે કેમ? તે દિશામાં તપાસ શરૂ
વડોદરા શહેરના ડી.સી.બી. પોલીસ મથકમાં તાજેતરમાં ફરિયાદી દ્વારા એક છેતરપિંડી અંગેની ફરિયાદ આપવામાં આવી છે. જેમાં આરોપીએ જમીન ખરીદી ફરિયાદીને પોતાની બંધ બેન્ક એકાઉન્ટના ચેક આપી ફરિયાદી સાથે રૂપિયા અઢી કરોડથી વધુની રકમ ન આપી ઠગાઈ આચરી હોવાની ફરિયાદ ડી.સી.બી પોલીસ મથકમાં નોંધાઇ હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીનો ભોગ બનનાર રાજેન્દ્રકુમાર નારણભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી સાથે ઠગાઈ આચરનાર વિપુલ મનસુખભાઇ ભીમાણી તથા મુળ જમીન માલીકો સાથે ફરિયાદીને જમીન વેચાણ માટે ત્રીપક્ષીય સમજુતી કરાર થયો હતો. જે ત્રિપક્ષીય કરાર મુજબ આરોપી વિપુલ ભીમાણીએ ફરિયાદીને એટલે કે સમજુતી કરારના ત્રીજા પક્ષવાળાને જમીન પેટેના 10 કરોડ 09 લાખ 63 હજાર 300 ચુકવવાના હતા. જે રકમ પાંચ હપ્તામાં ચુકવી આપવાનું આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું. જે અંતર્ગત પાંચ હપ્તાની રકમના કુલ 5 ચેકો વિપુલ ભીમાણીએ અલગ-અલગ તારીખોના અને અલગ-અલગ રકમના ફરિયાદીને આપી વિશ્વાસમાં લીધા હતા. જેમાંથી ત્રણ હપ્તાની રકમના રૂપિયા 7 કરોડ 19 લાખ 70 હજાર તથા ચોથા હપ્તાના 1 કરોડ 80 લાખમાંથી રૂપિયા 20 લાખમાં સમજુતી કરારમાં જણાવેલ મુદત વીતી ગયા બાદ આપ્યા હતા.
સમજુતી કરારમાં ઉલ્લેખ કરેલ બાકીના ચોથા હપ્તાના બાકી રહેલા રૂપિયા 1 કરોડ 60 લાખ અને પાંચમા હપ્તાના રૂપિયા 1 કરોડ 09 લાખ 93 હજાર 300 મળી કુલ રૂપિયા 2 કરોડ 69 લાખ 93 હજાર 300 કરારમાં નક્કી થયેલી તારીખોમાં કે આજદીન સુધી નહીં આપી તેમજ બરોડા ગ્રામીણ બેન્કના આર.બી.આઇ. દ્વારા બંધ કરેલ નોન-સી.ટી.એસ. ચેકો આપી સમજુતી કરારમાં નક્કી થયેલ ચોથા અને પાંચમાં હપ્તાના રકમ પેટે ફરિયાદીને ન આપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાવી હતી.
જે અંતર્ગત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપી ચારભુજા ડેવલપર્સના ભાગીદારી પેઢીના વહીવટકર્તા વિપુલ મનસુખભાઇ ભીમાણી (રહે.સુવર્ણરેખા સીસામી, કદમનગરની બાજુમા, નિઝામપુરા, વડોદરા)ને શોધી કાઢી કોવિડ અંગેની ચકાસણી કરી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનામાં સંડોવાયેલ ઇસમે અન્ય કોઈ સાથે છેતરપિંડી આચરી છે કે કેમ? તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.