શહેરના રેસકોર્સના આઇસક્રીમના વેપારી પાસેથી રૂપિયા 3.59 લાખનો આઈસ્ક્રીમ ઉધાર મગાવી રાજકોટના કેટરર્સે ચૂનો લગાડ્યો હોવાની ફરિયાદ ગોરવા પોલીસ મથકે નોંધાઈ છે. ગોરવા પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, શહેરના કારેલીબાગ બુદ્ધદેવ કોલોની પાછળ વિશ્વકુંજ સોસાયટીમાં રહેતો વેદાંગ નંદકિશોર શાહ છેલ્લા ચાર વર્ષથી રોલીંગ કોન્સ નામથી આઇસક્રીમનો ધંધો કરે છે. તેમણે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબર - 2021માં વેપારી અમિત મેરનો મારા પર કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, અમારે તમારી કંપનીનો આઇસક્રીમ રાજકોટ ખાતે લગ્ન પ્રસંગમાં રાખવો છે અને તેનો ઓર્ડર આપવાનો છે. અમે તમારી દુકાન પર આવીએ છીએ. બે કલાક પછી બે કલાક પછી અમિત મેર અને તેમનો દીકરો નમન મેર (બંને રહે.રૂડા, ઇસકોન પાછળ, કાલાવડ રોડ, રાજકોટ) મારી દુકાને આવ્યા હતા અને જણાવ્યું હતું કે, અમે અભિ પ્રિમિયમ કેટરીંગ (સ્ટલિંગ હોસ્પિટલની સામે, રાજકોટ)ના નામે કેટરીંગનો ધંધો કરીએ છે અને તમારા આઈસ્ક્રીમનો ઓર્ડર આપીશું. આ પછી અનેકવાર રાજકોટના ઇવેન્ટ માટે ઓર્ડર આપ્યા પછી પિતા-પુત્રએ રૂપિયા 2 લાખ મોકલ્યા હતા અને પણ રૂા.3.59 લાખ બાકીના મોકલતાં ન હતા. આ અંગે વેદાંગ શાહે વારંવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા ન મોકલતા ગોરવા પોલીસે આ અંગે નમન અને અમીત મેર સામે તપાસ હાથ ધરી છે.