વડોદરામાં પાડોશમાં રહેતો યુવાન 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો છે. આ મામલે સગીરાની માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે બાપોદ પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 25 માર્ચના રોજ હું મારી નોકરી પૂરી કરીને સવારે 9:30 વાગે ઘરે આવી હતી, ત્યારે મારા દિયર નોકરી પૂરી કરીને ઘરે આવીને સુતા હતા. મારો મોટો દીકરો અને દીકરી પણ સુતા હતા. મારા પતિ અને સાસુ પોતાના કામ પર જવા માટે નીકળી ગયા હતા અને મારા સસરા સુતા હતા.
ધોરણ 10માં અભ્યાસ કરતી મારી 16 વર્ષની નાની દીકરી ઘરમાં હાજર નહોતી. જેથી મેં મારા મોટા દીકરાને જગાડીને પૂછ્યું હતું કે, નાની દીકરી ક્યાં ગઈ છે? ત્યારે મારા દિયરે મને જણાવ્યું હતું કે, હું નોકરી પૂરી કરીને સવારે 7:00 વાગે ઘરે આવ્યો ત્યારે તે સૂતી હતી. તેમ કહેતા દીકરીની ઘરની આજુબાજુ તપાસ કરી, પણ તે મળી આવી નહોતી. જેથી મેં મારા પતિને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા.
ત્યારબાદ અમે અમારા સગા સંબંધીઓને ફોન કરીને તપાસ કરતા મારી દીકરી મારા સગા સંબંધીઓને ત્યાં પણ નહોતી. જેથી અમે અમારી પડોશમાં રહેતા જયદીપ સતિષભાઇ સોલંકીને ઘેર પણ તપાસ કરી હતી, ત્યાં પણ મારી દીકરી મળી આવી નહોતી. આ અગાઉ જયદીપ ગત 15 માર્ચના રોજ મારી દીકરીને મળવા ઘરે આવ્યો હતો અને તે વખતે હું ઘરે આવી જતા જયદીપ મને જોઈને ઘરની દિવાલ કૂદીને જતો રહ્યો હતો. આ જયદીપ મારી દીકરી સાથે વાતો કરતો હોવાથી જયદીપ મારી દીકરીને ભગાડી ગયો છે. દીકરી મળી ન આવતા આજે માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.