- જુલાઇ માસના પ્રારંભે શરૂ થયેલા કેમ્પમાં અત્યાર સુધીમાં 4500થી વધુ પ્રમાણપત્રો કાઢી આપવામાં આવ્યા
વડોદરા શહેરમાં વિધવા સહાય મેળવતી મહિલાઓને હયાતીના પ્રમાણપત્ર લેવામાં તકલીફ ના પડે એ માટે કલેક્ટર તંત્ર દ્વારા નર્મદા ભુવનમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ કેમ્પમાં પ્રતિદિન પાંચસો જેટલા ફોર્મ ભરાવી આપી પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યા છે.
વડોદરા શહેરમાં વિધવા સહાય મેળવતી મહિલાઓમાં સૌથી વધુ સંખ્યા મામલતદાર કચેરી, પૂર્વ હેઠળ આવે છે. આ કચેરી હેઠળ અંદાજે 18 હજાર જેટલી બહેનો વિધવા સહાય મેળવી રહી છે. આ મહિલાઓએ પ્રતિ વર્ષના જુલાઇ માસમાં હયાતીની ખરાઇ કરવાની રહે છે. આ ખરાઇ કરાવ્યા બાદ તેમને મળતી સહાય ચાલું રહે છે.
આટલી મોટી સંખ્યાને ધ્યાને રાખી કલેક્ટરે મહિલાઓને કોઇ તકલીફ ના પડે એ માટે ખાસ કેમ્પ રાખવા માટે સૂચના આપી હતી. જેના પગલે નર્મદા ભવન સ્થિત જનસેવા કેન્દ્રમાં ચાલુ માસના પ્રથમ દિવસથી આ કેમ્પ કરવામાં આવી રહ્યો છે. અહીં હયાતીના ફોર્મ ભરી આપવા ખાસ 5 કર્મયોગીઓને ફરજ સોંપવામાં આવી છે. આ કર્મયોગીઓ મહિલાઓને ફોર્મ આપી, તેમાં વિગતો ભરી આપે છે. આ કામગીરી સવારના આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી કરવામાં આવી રહી છે.
હયાતીનું પ્રમાણપત્ર મેળવવા માટે આધાર કાર્ડ અને સહાય મંજૂરીના હુકમની આવશ્યક્તા રહે છે. હવે કોઇ મહિલા પાસે સહાય મંજૂરીના હુકમ ના હોય તો તેને એ પણ કાઢી આપવામાં આવે છે. તેમ જનસેવા કેન્દ્રના વ્યવસ્થાપક ત્રિકમ પટેલે કહ્યું હતું. આ કેમ્પમાં અત્યાર સુધીમાં 4500થી પણ વધુ પ્રમાણપત્રો કાઢી આપવામાં આવ્યા છે.