વડોદરા મહાનગરપાલિકામાં આજે સ્થાયી સમિતિની બેઠક મળવા પામી હતી જેમાં 14 પૈકી 12 જેટલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી જ્યારે બે કામોને મુલતવી કરવામાં આવ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામોની રૂપરેખા નક્કી કરતી સ્થાયી સમિતિની બેઠક આજે મળવા પામી હતી. જેમાં વિવિધ વિભાગોમાંથી 14 જેટલી દરખાસ્ત મંજૂરીની અપેક્ષાએ રજૂ કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વની દરખાસ્તમાં શહેરના આઉટ ગ્રોથ વિસ્તારમાં પાણીના કનેક્શન લીધા હોય તેવા રહેણાંક મિલકતોના પાણી કનેક્શનની ગુણવત્તા તપાસવા થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન તેમજ દંડની રકમ 50 હજારથી ઘટાડીને 10 હજાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી જે ગ્રામ્ય વિસ્તાર કે વુડાની હદના વિસ્તારો શહેરમાં પ્રવેશ્યા છે તેઓની જૂની પાણીની લાઇન નેટવર્કની દુરસ્તી થઈ શકશે. અને જો જરૂરી કરતા વધુ કનેક્શન લીધા હશે તો તેના માટે 10 હજાર જેટલો દંડ પણ વસુલવામાં આવશે.
આ સાથે કારેલીબાગ સ્કેટિંગ રિંગ ચલાવતી સંસ્થાને તેની સારસંભાળની જવાબદારી સોંપીને તેની ભાડાની રકમમાં દર વર્ષે 10 ટકા વધારાની અપેક્ષાએ મંજૂરી આપવામાં આવી હતી. સાથે સાથે સયાજીબાગમાં કેટલીક સુશોભન લાઇટિંગ માટેની પણ મંજૂરી સ્થાયી સમિતિ દ્વારા આપવામાં આવી હતી.
આ સાથે પાલિકાના વિવિધ વાહનો ચલાવવા માટે આઉટસોર્સિંગથી ડ્રાઈવરોની જરૂર હોય તેઓના ઇજારાને પણ મંજુર કરવામાં આવ્યો હતો. ફાયર Nocની મેળવવાની મુદ્દત તેમજ તેની લાગતો નક્કી કરવાની દરખાસ્તને મુલતવી રાખવામાં આવી હતી. સાથે સાથે મકરપુરા APS ખાતે નવીન સબમર્શિબલ પમ્પ સહિત સાધનો ખરીદી કરવાની દરખાસ્તને મુલત્વી કરવામાં આવી હતી.