વડોદરામાં ભેજાબાજનો PMO અધિકારીની ઓળખ આપી પારુલ યુનિ.ના ટ્રસ્ટીઓને છેતરવાનો પ્રયાસ

વડોદરાના MCA થયેલા ભેજાબાજ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

MailVadodara.com - In-Vadodara-Margabaj-tried-to-deceive-the-trustees-of-Parul-University-by-giving-the-identity-of-the-PMO-officer

- ભેજાબાજ મયંક તિવારીએ મોટી-મોટી વાતો કરતાં ટ્રસ્ટીઓ પ્રભાવિત થઇ ગયા હતા, ખાનગી રીતે તપાસ કરતા હકીકત બહાર આવી

વડોદરામાં PMO ઓફિસના અધિકારી તરીકેની ઓળખ આપી પારૂલ યુનિવર્સિટી ટ્રસ્ટની સ્કૂલમાં મિત્રના બે સંતાનોના એડમિશન કરાવ્યા બાદ, ટ્રસ્ટીઓને એજ્યુકેશનની કામગીરીની મંજૂરી અપાવવાનું જણાવી નાણાં પડાવવાનો કારસો રચનાર વડોદરાના MCA થયેલા ભેજાબાજ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યુઇરા સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રાધેશ્યામ દધીચ (રહે. 269, સાંઇદીપનગર ન્યુ.વી.આઇ.પી. રોડ) વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારી સ્કૂલ સી.બી.એસ.ઈ પ્રકારની માન્યતા ધરાવે છે. જે અંગ્રેજી માધ્યમની શાળા છે. અમારી સ્કૂલમાં ધોરણ 1થી 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. અમે અમારી સ્કૂલમાં ખાલી જગ્યા મુજબ એડમિશન આપીએ છીએ. અમારી સ્કૂલના ડાયરેક્ટર પ્રિયદર્શની કેલકર છે, જેઓ વડોદરા શહેર ખાતે રહે છે. તેમજ સ્કૂલમાં બાળકનું એડમિશન આપતી વખતે સ્કૂલ તરફથી બહાર પાડવામાં આવેલ નમૂના મુજબનું ફોર્મ ભરવાનું હોય છે. આ સાથે જ એક પરીક્ષા આપવાની હોય છે, જેના આધારે એડમિશન આપવામાં આવે છે.


વધુમાં જણાવ્યું છે કે, અમારી સ્કૂલના ટ્રસ્ટી તરીકે પારુલ યુનિવર્સિટીના MD ડો. દેવાશું પટેલ તથા ડો. ગીતીકા પટેલ છે. વર્ષ 2022ના માર્ચ મહિનામાં અમારી સ્કૂલમાં એડમિશનની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન ભેજાબાજ મયંક તિવારીએ પોતાની ઓળખ ડાયરેકટર વ્યુહાત્મક સલાહકાર PMO ઓફિસ તરીકે આપી તેના ફેમીલી મિત્રના દિકરાઓના એડમિશન માટે સંપર્ક કર્યો હતો. જેથી અમારા ડાયરેકટર સાહેબ તેને સ્કૂલના ટ્રસ્ટ્રી દેવાશું પટેલને પારૂલ કોલેજ લીમડા વાઘોડીયા ખાતે મળવા જણાવ્યું હતું.

આ દરમિયાન, ભેજાબાજ મયંક તિવારી પારૂલ કોલેજમાં ડો. ગીતીકા પટેલને મળ્યા હતા અને પોતાની ઓળખ Director Strategic Advisory @PMO તથા Director Government Advisory @ PMOની આપી હતી. આ સાથે જ પોતે દિલ્હી PMO ઓફિસમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું. તેણે એજ્યુકેશન બાબતે મોટી મોટી વાતો કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, એજ્યુકેશનમાં સાથે મળીને કામ કરીશું તથા ગુજરાત રાજ્યમાં રિસર્ચને લગતી કામગીરી કરીશું, તેમજ સરકારમાંથી મંજૂરી મેળવવાની કાર્યવાહી હું કરીશ અને નાણાકીય ખર્ચની જવાબદારી તમારે કરવાની રહેશે. આ પ્રકારની વાતો કરી ડો.ગીતીકા પટેલને વિશ્વાસમાં લીધા હતા અને મોટી રકમ પડાવવા અને તેઓની સાથે છેતરપિંડી કરવાનો કારસો રચ્યો હતો.


ઠગ મયંક તિવારીની મોટી મોટી વાતો સાંભળી ડો. ગીતીકા પટેલ પણ પ્રભાવિત થઇ ગયા હતાં. પોતાના ટ્રસ્ટની વડોદરા નિઝામપુરામાં આવેલી ન્યુરા સેકેન્ડરી સ્કૂલમાં તેમના આર્મીમેન મિત્રના બે સંતાનોને ધોરણ 4 અને 5માં એડમિશન અપાવી દીધું હતું. ભેજાબાજ મયંક તિવારીએ મિત્ર મીરઝા જાહીદ બેગ જે ભારતીય આર્મીમાં નોકરી કરે છે અને તેમની પત્ની ડો. રજની યાદવ બેગ વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. તેને અમારી સ્કૂલના ડાયરેકટર પ્રિયદર્શની કેલકરને પણ પોતાની ઓળખ PMOમાં કામ Director Srategic Advisory @ PMO તરીકે આપી પ્રભાવિત કર્યા હતા. આ મયંક તિવારીએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં અશોક સ્તંભના સિમ્બોલનો લોગો રાખેલ હતો અને PMO ઓફિસ લખેલ હતું.

ટ્રસ્ટ્રી ડો. ગીતીકા પટેલે અમને બે દિવસ પહેલાં જાણ કરી હતી કે, ગઇ સાલ PMO ઓફિસમાં નોકરી કરતા હોવાની ઓળખ આપી મળેલ મયંક તિવારી નામના માણસની ખાનગી રીતે તપાસ કરાવતા તે PMO ઓફિસ ખાતે Director Strategic Advisory @ PMO તથા Director Government Advisory @ PMO તરીકે નોકરી કરતો હોવાનું જણાઇ આવ્યું નથી. આપણને તેની ખોટી ઓળખ આપેલ છે. તેમજ અમે તેની ખાનગી રીતે તપાસ કરતા તેનુ નામ મયંક પરશુરામ તિવારી (રહે. 13. રાંદલધામ સોસાયટી, નવરંગ સોસાયટીની બાજુમાં, ચાણક્યપુરી, ન્યુ સમા રોડ, વડોદરા) હોવાનું જાણવા મળ્યું છે.

વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજ મયંક તિવારી સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભેજાબાજની વધુ પૂછપરછમાં હજુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે. આ ભેજાબાજની તપાસ પીએસઆઇ આર.કે. રાઠવા કરી રહ્યા છે.

Share :

Leave a Comments