વડોદરામાં ડી-સ્ટાફનો પોલીસવાળો હોવાનું કહી દાદાગીરી કરતા ઇસમને અસલી પોલીસે ઝડપ્યો

ડુપ્લીકેટ ગુબ્બારા કેમ રાખ્યા છે તેમ કહી ભેલ સેન્ટરવાળા સાથે દાદાગીરી કરતો હતો

MailVadodara.com - In-Vadodara-Isam-was-caught-by-the-Asli-police-who-was-bullying-him-by-claiming-to-be-a-D-staff-policeman

- સયાજીગંજ પોલીસે આરોપી નિતીનકુમાર અગ્રવાલની ધરપકડ કરી બાઇક, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 28,500નો મુદ્દામાલ જપ્ત કર્યો


વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે એક નકલી પોલીસ તરીકે રોફ જમાવનાર ઇસમને અસલી પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે આઈકાર્ડ માંગતા કોઈ પુરાવા ન મળતા આખરે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સયાજીગંજ પોલીસ મથકનો સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ફુવારા સર્કલ પાસે આવતા હેડ કોન્સ્ટેબલ દિપકકુમાર જબ્બરસીંગને બાતમી મળી હતી કે, ફતેગંજ રાજ રાજેશ્વરી જ્યુસ સેન્ટરની સામેના ભાગે નવરંગ એપાર્ટમેન્ટ પાસે આવેલા એ ટુ ઝેડ ભેલ સેન્ટર પાસે કોઈ સયાજીગંજ પોલીસ સ્ટેશનનો ડિ-સ્ટાફનો પોલીસવાળો હોવાનું જણાવી દુકાને જઈ તે ડુપ્લીકેટ ગુબ્બારા રાખેલ છે, કહી ભેલ સેન્ટરવાળાને પોલીસવાળો હોવાનો રૂઆબ બતાવી દાદાગીરી કરે છે.


આ બાબતની માહિતી મળતા જ બાતમીવાળી જગ્યા ટુ ઝેડ ભેલ સેન્ટર ખાતે જઈ તપાસ કરતા એક યુવક મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા પોતે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો ડિ-સ્ટાફનો પોલીસવાળો હોવાનું જણાવ્યું હતું. જેથી તેની પાસે આઇકાર્ડ માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તે પોલીસ ન હોવાનું સામે આવતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 170 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


સયાજીગંજ પોલીસે ઝડપેલા યુવકનું નામ નિતીનકુમાર જીતેન્દ્ર અગ્રવાલ (ઉં.વ.22, રહે. 56 જાનકીધામ સોસાયટી કેનાલ પાછળ અભીલાષા ચાર રસ્તા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મળી આવેલ બાઇક પર પોલીસનું લખાણ લખેલ હતું. જેથી બાઇક, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 28,500નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments