વડોદરામાં ઢોગ-નગારાના તાલે અને ગુલાબનું ફૂલ આપી, ધોરણ-10 વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ અપાયો

આજથી ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : વડોદરામાં 75,353 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

MailVadodara.com - In-Vadodara-Dhog-Nagara-tunes-and-rose-flowers-were-given-Class-10-students-were-admitted-to-the-examination-centre

- પરીક્ષા કેન્દ્રો પર સવારે પેપર શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી


વડોદરા સહિત રાજ્યભરમાં આજથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વડોદરામાં 75,353 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. વડોદરાના સમા-સાવલી રોડ પર આવેલી ઉર્મી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઢોગ-નગારાના તાલે અને ગુલાબનું ફૂલ આપી, મોઢું મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રો પર સવારે પેપર શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી.


વડોદરામાં આજે ધો.10ની પરીક્ષા માટે ચાર ઝોનના 156 બિલ્ડિંગના 1618 વર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં 47712 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જો કે તેનાથી કેટલા ગેરહાજર રહેશે તે અંગે DEO કચેરી દ્વારા સાંજે આંકડા જાહેર કરાશે તે રીતે ધો.12 કોમર્સમાં બે ઝોનના 66 બિલ્ડિંગના 630 ક્લાસરૂમમાં 20493 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધો.12 સાયન્સમાં 7548 વિદ્યાર્થીઓ 41 બિલ્ડિંગના 387 વર્ગોમાં પરીક્ષા આપશે. 2500 જેટલા સીસીટીવી કેમેરા પરીક્ષા પર નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર ના લાગે અને મનોબળ જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ઢોલ વગાડીને તો કેટલાક કેન્દ્રો પર ફૂલ અને ચોકલેટ આપીને સ્વાગત કરાયું હતું.

વિદ્યાર્થિની દ્રષ્ટી પણસારાએ જણાવ્યું હતું કે, આજે મારું ધો.10નું ગુજરાતીનું પેપર છે અને એકદમ મસ્ત તૈયારી કરીને આવી છું. હું રોજ 6થી 7 કલાક વાંચન કરું છું. બોર્ડની પરીક્ષાનો પહેલો અનુભવ હોવાથી ડર લાગે છે, પરંતુ મારી તૈયારી સારી હોવાથી મને પેપર આપવાની ખૂબ જ ઉત્સુકતા છે. પેપર આવશે પછી મારો ડર જતો રહેશે.


વાલી સુરેશભાઈ જાદવે જણાવ્યું હતું કે, બાળકોએ પરીક્ષા ખંડમાં ગયા પછી શાંતિથી બેસવું જોઇએ અને શાંતિથી પેપર જોવાનું અને મગજમાં કોઇપણ પ્રકારનું ટેન્શન લેવાનું નહીં, વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે તો આરામથી પાસ થઇ જશે. મારી દીકરીની તૈયારી ખૂબ સારી છે. તે રોજ નિયમિત વાંચન કરે છે.


વડોદરાની ઊર્મી સ્કૂલના પ્રિન્સિપાલ શુંભાગીની ચવ્હાણે જણાવ્યું હતું કે, આજે અહીં ધો.10ના વિદ્યાર્થીનું ગુલાબનું ફૂલ આપી અને ગોળ ધાણા ખવડાવીને ઢોલ નગારાના તાલે સ્વાગત કરવામાં આવ્યું છે. છોકરાઓને એવું ન લાગે કે, અમે કોઇ બીજી સ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યા છીએ. જેથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અમે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરી છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે અને શિક્ષકોનો પણ સારો સપોર્ટ છે. વિદ્યાર્થીઓ અહીં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે.

વડોદરા શહેરમાં 4 ઝોનના 156 કેન્દ્રો પર 47,312 વિદ્યાર્થીઓ ધો.10ની પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે 2 ઝોનના 107 કેન્દ્રો પર 28,041 વિદ્યાર્થીઓ ધો.12ની પરીક્ષા આપશે. આમ કુલ 75,353 વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપી રહ્યા છે. વડોદરા જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે પરીક્ષા ચાલશે ત્યાં સુધી એટલે કે તા.26 માર્ચ સુધી સવારના આઠ થી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલુ રહેશે. જેનો નંબર 0265-2461307 છે. કોઇ વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પહોંચવા માટે મુશ્કેલી પડી રહી હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી શકે છે.

Share :

Leave a Comments