- વિરોધ પક્ષ કહે છે, ખસીકરણના આંકડા ખોટા છે, 8 વર્ષથી ખસીકરણ ચાલતું હોય તો પછી કૂતરાઓની વસ્તી કેમ ઘટી હોય તે દેખાતું નથી?
ગુજરાત રાજ્યમાં રખડતા કુતરાઓના ત્રાસ અંગે રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી છે અને કુતરા કરડવાના બનાવો અંગે નીતિવિષયક નિર્ણય કરવા આજે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક રાખી છે.
વડોદરામાં એનિમલ બર્થ કંટ્રોલ સ્કીમ હેઠળ વર્ષ 2015થી અત્યાર સુધીમાં 66989 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે, અને તે માટે 6.88 કરોડનો ખર્ચ થયો છે.
સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ આ કામગીરી સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી છે. ચાલુ વર્ષે કોર્પોરેશનના બજેટમાં માર્કેટ શાખા માટે રખડતા કુતરા અને ભૂંડના ત્રાસ નિયંત્રણ પ્રોગ્રામ અંગેની કામગીરી માટે રૂપિયા 1.20 કરોડની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે રખડતા કૂતરાને પકડીને તેનું ખસીકરણ કરી અને હડકવા વિરોધી રસીકરણ કર્યા બાદ મૂળ સ્થાને એટલે કે જ્યાંથી પકડ્યા હોય ત્યાં પરત મૂકવા માટે બે સંસ્થાને કામગીરી સોંપવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કરી છે.
બીજી બાજુ વિરોધ પક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ખસીકરણના જે કંઈ આંકડા આવે છે તે ખોટા છે, કેમ કે જે દાવા કરવામાં આવે છે તે મુજબ છેલ્લા આઠ વર્ષથી ખસીકરણ ચાલતું હોય તો કુતરાઓની વસ્તી પણ ઓછી થવી જોઈએ જે થતી નથી. કુતરાઓનો ત્રાસ આજે પણ હજુ એટલો જ છે. સવારે મોર્નિંગ વોકમાં અથવા તો રાત્રે ફરવા નીકળતા લોકો પાછળ કુતરાઓ દોડે છે. રાત્રે નોકરી પરથી ઘરે પરત જતા નોકરીયાતોના વાહનો પાછળ પણ કૂતરાઓ દોડ લગાવે છે. કોર્પોરેશનના બજેટ વખતે કોંગ્રેસ દ્વારા રખડતા કુતરા માટે ડોગ હોસ્ટેલ બનાવવાનુ સૂચન મૂકવામાં આવ્યું હતું.