વડોદરામાં 6 ડમી પેઢીઓ ખોલી બનાવટી દસ્તાવેજો GST પોર્ટલ પર અપલોડ કરી 8 કરોડની છેતરપિંડી કરવાનું કૌભાંડ ઝડપાયું

બે ગઠિયા ગુગલ પરથી લાઇટ બીલ શોધી એડિટીંગ સાથે GST પોર્ટલ પર અપલોડ કરતા'તા

MailVadodara.com - In-Vadodara-6-dummy-firms-were-opened-and-fake-documents-were-uploaded-on-the-GST-portal-a-fraud-scam-of-8-crores-was-caught

- અગાઉ બે પેઢીના 4 આરોપી પકડાયા હતા અને આજે વધુ બે આરોપી પકડાતા આંકડો 6 ઉપર પહોંચ્યો

વડોદરામાં 6 ડમી પેઢીઓ ખોલીને બનાવટી દસ્તાવેજોના GST પોર્ટલ પર અપલોડ કરીને સરકાર સાથે 8 કરોડની છેતરપિંડી કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. જેમાં એ.એસ.ટ્રેડ નામની ડમી પેઢી ઉભી કરવા માટે ગુગલ પરથી લાઇટ બીલ સર્ચ કરીને તેમાં એડિટીંગ કરીને તેના આધારે GST પોર્ટલ પર ડમી પેઢી બનાવનાર 2 આરોપીની વડોદરા  ક્રાઇમ બ્રાંચના ઇકો સેલે ધરપકડ કરી છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી કોમ્પલેક્ષમાં દુકાન નં-સી-4માં એ.એસ.ટ્રેડ નામની ડમી પેઢી ઉભી કરવામાં મદદ કરનાર બે આરોપી ઝડપાયા છે. આરોપી યાસીન ઉર્ફે અંકલ ઇસ્માઇલભાઇ મગરબી (આરબ) અને અકરમ અબદુલ્લાભાઇ અત્યાન (આરબ) (બંને રહે. ભાવનગર)એ ગુગલ પરથી લાઇટ બીલ સર્ચ કરીને તેમાં એડિટીંગ કર્યું હતું અને તેના આધારે GST પોર્ટલ પર ડમી પેઢી બનાવી હતી. તે ડમી પેઢીની ફાઇલ બનાવી તેનો આઇડી પાસવર્ડ મેળવી આપ્યો હતો. આ બંને આરોપીઓ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં ભાવનગર જેલમાં હોવાથી બંનેને ટ્રાન્સફર વોરંટના આધારે વડોદરા ક્રાઇમ બ્રાંચની ઇકો સેલે કબજો મેળવ્યો હતો અને બંને આરોપીની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં બંને આરોપીઓએ ડમી પેઢી માટે મદદ કરી હોવાની કબૂલાત કરી હતી.


વડોદરા શહેરમાં મે. રફાઇ એન્ટરપ્રાઇઝ, (મીના બજાર, મંગળ બજાર), મેં. અલ્ફાજ એન્ટરપ્રાઇઝ, (અર્થ, જુના પાદરા રોડ), મે.એ.એસ.ટ્રેડ, (સરસ્વતી કોમ્પલેક્ષ, માંજલપુર), ચૌહાણ એન્ટરપ્રાઇઝ, (કુંજ પ્લાઝા, છાણી જકાતનાકા), મેં. રીડોન એન્ટરપ્રાઇઝ, (નુતન મહેશ્વરી સોસાયટી, સુભાનપુરા) અને મેં. આલ્ફા એન્ટરપ્રાઇઝ, (ભાંડવાડા, રેહમતનગર, હરણી રોડ) ખાતે 6 ડમી પેઢીઓ ચાલતી હતી. જેની માહિતી વડોદરા ક્રાઇમ બ્રાંચના ઇકો સેલને મળી હતી. જેના આધારે ઇકો સેલે તપાસ શરૂ કરી હતી.

ઇકો સેલની તપાસમાં બહાર આવ્યું છે કે, 6 ડમી પેઢીઓ બનાવનાર શખસોએ પોતાના નામના અને અન્ય લોકોના નામે ખોટા અને બનાવટી દસ્તાવેજી પુરાવાઓ ઉભા કર્યાં હતા. આ દસ્તાવેજો GST પોર્ટલ પર અપલોડ કરીને GSTN નંબર મેળવ્યા હતા અને આ 6 પેઢીઓ પર કોઇ ધંધો ચાલતો ન હોવા છતાં ડમી પેઢીઓ ઉભી કરીને ખોટા અને બનાવટી ઇનવોઇસ બનાવીને તેનો ઉપયોગ કરીને સરકારમાંથી ખોટી GST વેરા શાખ મેળવી-ક્લેઇમ કરીને સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડીને ગુનો આચર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

વડોદરા ક્રાઇમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઇ એચ.આઇ. ભાટીએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આ ગુનાની લિંક ભાવનગર સાથે મળતી હોવાથી ઇકો સેલના પીએસઆઇ એન.એન.પાટીલ અને તેમની ભાવનગર તપાસ માટે ગઈ હતી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન 6 ડમી પેઢી પૈકીની મે. એ.એસ. ટ્રેડ નામની ડમી પેઢીનો માલિક અકરમ સલીમભાઇ લોહીયા (રહે. વિઠ્ઠલેશ્વર રોડ, ભાવનગર) મળી આવ્યો હતો અને તેની પૂછપરછ દરમિયાન તેને કબૂલાત કરી હતી કે, તેને આર્થિક લાભ મેળવવા માટે તેના મિત્ર જાકીરહુસેન વહાબભાઇ ખોખરને પોતાના નામના પાનકાર્ડ, આધારકાર્ડ, પોતાનો ફોટો અને આધારકાર્ડથી લિંક સીમકાર્ડ સહિતના દસ્તાવેજો આપ્યા હતા. તેના આધારે તેણે મારા નામની ડમી પેઢી શરૂ કરી હતી.

ઇકો સેલે ટેક્નિકલ સોર્સથી તપાસ કરતા જાકીરહુસેન વહાબભાઇ ખોખર (રહે.સાંઢિયાવાડ, રૂવાપરી રોડ, ભાવનગર) મળી આવ્યો હતો અને તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં આરોપી અકરમ લોહીયા પાસેથી તેના ડોક્યુમેન્ટ્સ GSTમાં ડમી પેઢી ખોલાવવા માટે તેની પાસેથી મેળવ્યા હતા અને તે દસ્તાવેજો અન્ય ઇસમને આપીને અકરમ લોહીયાના નામથી મે. એ.એસ.ટ્રેડ નામની ડમી પેઢી ખોલાવડાવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાંચની ઇકો સેલે બંને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યાં હતા. કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. 6 પેઢીએ કુલ 8 કરોડની છેતરપિંડી કરી હતી. અગાઉ બે પેઢીના 4 આરોપી પકડાયા હતા અને આજે વધુ બે આરોપી પકડાયા છે. આમ આરોપીઓનો આંકડો 6 ઉપર પહોંચ્યો છે.

અકરમ લોહીયાના ડોક્યુમેન્ટથી એ.એસ. ટ્રેડ નામની પેઢી બનાવી હતી. અકરમે પોતાના ડોક્યુમેન્ટ એક વ્યક્તિને 20 હજાર રૂપિયામાં આપ્યા હતા અને એ વ્યક્તિએ બીજી વ્યક્તિને 50 હજાર રૂપિયામાં વેચી દીધા. જાકીરહુસેને અકરમના ડોક્યુમેન્ટ 1 લાખ રૂપિયામાં વેચ્યા હતા અને આ ડોક્યુમેન્ટના આધારે ડમી પેઢી બનાવવામાં આવી હતી. જેમાંથી GST ક્લેઇમ કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી.

Share :

Leave a Comments