- વાઇબ્રેટર રોડ રોલર, વ્હીલ ડોઝર, ડમ્પર અને ટીપર પ્રકારના 8 વાહનોની ખરીદી થશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વધારો થયા બાદ તેમ જ નવા વોર્ડની રચના કરવામાં આવતા, વુડાના સાત ગામોનો સમાવેશ કોર્પોરેશન સાથે થતા રોડ-રસ્તા રીપેરીંગ, પેચ વર્ક, કચરો નિકાલ, વિવિધ વિભાગોના સામાનનું ટ્રાન્સપોર્ટેશન વગેરે કામગીરી વધી જતા જુદા જુદા પ્રકારના વાહનોની ઘટ ઊભી થઈ છે. કોર્પોરેશન હવે આશરે 7.50 કરોડના ખર્ચે અલગ પ્રકારના 39 વાહનો ખરીદવાની છે. આ સંદર્ભે સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ થયેલી દરખાસ્ત પર હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
વડોદરા કોર્પોરેશનની વિહિકલ પુલ શાખા ખાતેથી રોજની કામગીરી માટે વાહનો ફાળવવામાં આવે છે, અને જરૂર હોય ત્યારે ભાડેથી પણ લેવામાં આવે છે. ખાસ તો ઢોર પકડવાની કામગીરી દરમિયાન અથવા દબાણ હટાવવાના કામ સમયે તેમજ વિવિધ ખાતાઓ દ્વારા વાહનો ફાળવવા માંગ થતી હોય છે. વ્યવસાય વેરાની વર્ષ 2023-24ની ગ્રાન્ટમાંથી 1.48 કરોડના ખર્ચે 16 યુટીલીટી વાહનો ખરીદવામાં આવનાર છે. આ જ વર્ષની વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી રોડની કામગીરી માટે 6 મીની વાઇબ્રેટર રોડ રોલર 1.01 કરોડના ખર્ચે ખરીદવાના છે. સ્વર્ણિમની વર્ષ 2023-24ની ગ્રાન્ટમાંથી 1.29 કરોડના ખર્ચે ટીપર પ્રકારના આઠ વાહન ખરીદવાના છે. સ્વર્ણિમની વર્ષ 2023-24ની ગ્રાન્ટમાંથી 1.09 કરોડના બે વ્હીલ ડોઝર ખરીદવામાં આવનાર છે.
કોર્પોરેશનની હદ વધતા અને વિસ્તારમાં કામગીરી વધતા ભવિષ્યમાં આ પ્રકારના ડોઝરની માંગ વધતા વધુ ખરીદવા પડશે. હાલ માત્ર બે જ છે, અને તે પણ દસ વર્ષ જૂના છે. શહેરમાં કચરાના વહન કરવા માટે દબાણની તોડફોડ કરવામાં આવ્યા બાદ કાટમાળ ઉઠાવવા ઇજનેરી તથા અન્ય વિભાગના સામાનની હેરફેર કરવા 2.16 કરોડના ખર્ચે 18 ટનની કેપેસિટીના સાત ડમ્પર ખરીદવાના છે. સ્ટેન્ડિંગ સમિતિના એજન્ડા પર આ દરખાસ્તો પુનઃ નિર્ણય અર્થે રજૂ થઈ છે.