- પાંચેય ઠગ આરોપીઓને બેન્ક એકાઉન્ટ અને સીમકાર્ડ આપનાર મહિલા સહિત 3 આરોપીને પોલીસે અમદાવાદ, સાંબરકાંઠાથી ઝડપી પાડ્યા
વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતાં કર્મચારી સાથે પાર્ટ ટાઈમ જોબના નામે થયેલી ઓનલાઈન ઠગાઈના કેસમાં સાઇબર ક્રાઇમ પોલીસે બેંક એકાઉન્ટ તેમજ સીમકાર્ડ પુરા પાડનાર બ્યુટી પાર્લરની સંચાલિકા સહિત વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
વડોદરા શહેરના જવાહર નગર ગુજરાત રિફાઇનરી ટાઉનશીપમાં રહેતા અને ગુજરાત રિફાઇનરીમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા 29 વર્ષીય શાલીન મદનલાલ છાજેરને મોબાઇલમાં ટેલિગ્રામ આઇડી પર મેસેજ મોકલી ઓનલાઇન ટાસ્કના નામે ફસાવી ડિપોઝિટના નામે રૂપિયા 8.20 લાખ પડાવી લેતા વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે સાઇબર ક્રાઇમ પોલીસે અગાઉ પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા. ઠગ ટોળકી દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ તેમજ સીમકાર્ડ અંગે ડીટેઇલ મેળવી સાઇબર ક્રાઇમ પોલીસે એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.
સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં મોબાઈલ શોપના સંચાલક સંદીપસિંહ અરજીતસિંહ દેસાઈ (રહે. અલખનંદા બ્રિજ પાસે, ગોતા, અમદાવાદ) દ્વારા ઉમિયા કૃપા એન્ટરપ્રાઇઝ મહાકાલી એન્ટરપ્રાઇઝ અને ચામુંડા સેલ્સ જેવી ફોર્મના નામે આ ટોળકીને 200 જેટલા સીમકાર્ડ આપવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જ્યારે રાજેન્દ્રસિંહ રંગુસિંહ ઝાલા (રહે. ભાખરીયા, પ્રાંતિજ, સાબરકાંઠા) ધોરણ-6 સુધી અભ્યાસ કર્યો છે અને તેણે આર આર એન્ટરપ્રાઇઝ નામની ફોર્મ ખોલી ટોળકીને બેન્ક એકાઉન્ટ આપ્યું હતું. આ ઉપરાંત બ્યુટી પાર્લર ચલાવતી મીના રંગુસિંહ ઝાલા (રહે. આરાધ્યા હોમ્સ, ચાંદખેડા, અમદાવાદ) ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે અને તેણે પણ બેન્ક એકાઉન્ટ પૂરું પાડ્યું હતું. જે બદલ તેને દોઢ લાખનું કમિશન મળ્યું હોવાનું જાણવા મું હતું.