- પુત્રને અડધી રાતે કોઈ વસ્તુ માગે તો એ વસ્તુ તેને ત્યારે 10 જ મીનિટમાં જોઈએ નહીં તો અડધી રાતે પણ બૂમાબૂમ કરી માતા અને મામા સાથે ગાળાગાળી કરતો હતો
- અભયમની ટીમે મહિલાના દીકરાનું કાઉન્સલિંગ કરતાં તેને માતા, દાદી અને મામા પાસે માફી માગી કહ્યું, હવે પછી આવું નહીં કરું અને ભણવામાં ધ્યાન આપીશ
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાંથી એક પીડિત મહિલાનો અભયમને કોલ મળ્યો હતો. તેમાં પીડિત મહિલા પતિથી નહીં પરંતુ પોતાના દીકરાથી ત્રાહિમામ પોકારી ઉઠી હતી. અભ્યાસના સમયે દીકરો ગેમ રમી મગજ બગાડતો હતો અને ગેમ રમી રમીને બોડી બનાવે છે અને કોઈનું કાંઈ સાંભળતો નથી. સતત બોડી બનાવે છે. જેથી આખરે મહિલાએ અભયમ 181ની મદદ માગી હતી.
પીડિત મહિલા જણાવે છે કે, મારે એક દીકરો છે અને ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેની ઉંમર માત્ર 15 વર્ષની છે, ભણવામાં ધ્યાન આપતો નથી અને મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમી મગજ બગાડે છે. મારો દીકરો ગેમો રમી રમી બોડી બનાવી છે, મને કસરતના સાધનો લઈ આપ, મારે બોડી બનાવવી છે અને મેં ના પાડી કે, બોડી બનાવવાનો ટાઈમ નથી, હમણાં તું નાનો છે. ભણવામાં ધ્યાન આપ. તો મારો દીકરો કહે છે, મને હમણાંને હમણાં ડમ્બલ્સ જોઈએ, તેમ કહી આખા ઘરમાં તોડફોડ કરી ગમે તે વસ્તુ એને જોઈએ છે તો એને 10 જ મિનિટમાં તે વસ્તુ જોઈએ છે તેવી જીદ કરે છે.
વધુમાં જણાવ્યું હતું કે, મારા પતિથી હું ત્રણ વર્ષથી અલગ રહું છું. મારા પિયરમાં મારા ભાઈ અને મમ્મી સાથે રહું છું. હું ખુદ નોકરી કરું છું અને મારા દીકરાને ભણાવું છું. મારો દીકરો કહે છે તું, મારા માટે કંઈ કરતી નથી. જોર જોરથી ગાળાગાળી કરે છે અને અડધીરાત સુધી ગેમ રમ્યા કરે છે અને મારો દીકરો કહે છે કે, અડધી રાતે કોઈ વસ્તુ જોઈએ તો એ વસ્તુ તેને ત્યારે જ જોઈએ નહીં તો, અડધી રાતે પણ બૂમાબૂમ કરે છે.
જેથી સોસાયટીના આજુબાજુ રહેતા લોકો પણ હેરાન થાય છે. મારા દીકરાની રોજની અલગ-અલગ માગ હોય જે વસ્તુ જોઈએ એ વસ્તુ એને ત્યારે દસ મિનિટમાં જોઈએ છે અને જો ન લઈ આપું તો મારી મમ્મીને પણ ગાળાગાળી કરે છે. મારા ભાઈને પણ ગાડાગાળી કરે છે. મારો દીકરો આટલો નાનો છે, તો પણ મને કહે છે મારે અહીં નહીં રહેવું. ચાલ અલગ રહેવા જતા રહીએ. આખો દિવસ ગેમ જ રમે છે, અમને ડર છે કે ગેમ રમીને મારો દીકરો ગાંડો ના થઈ જાય.
ત્યારબાદ અભયમની ટીમે મહિલાના દીકરાનું કાઉન્સલિંગ કરી સમજાવ્યો કે, આવી રીતના આખો દિવસ ગેમ નહીં રમવાની અને ભણવામાં ધ્યાન આપવાનું. કોઈપણ વસ્તુની જીદ નહીં કરવાની. બોડી બનાવવાની આ તારી ઉંમર નથી, પેલા ભણવામાં ધ્યાન આપ પછી મોટો થઈ બોડી બનાવજે. કોઈપણ વસ્તુની માગ ખોટી ખોટી કરવાની નહીં અને કોઈપણ જાતની જીદ કર્યા વગર સારી રીતના રહેવાનું અને ગાળાગાળી પણ કરવાની નહીં. ત્યારબાદ દીકરાએ માતા, દાદી અને મામા પાસે માફી માગી અને કહ્યું કે, હવે પછી આવું નહીં કરું અને ભણવામાં ધ્યાન આપીશ. મારાથી ભૂલ થઈ ગઈ. હવે આવી ભૂલ નહીં કરું તેમ કહી માફી માગી છે.