- ચેકિંગ દરમિયાન લીધેલા નમૂના તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયાં
હોળી-ધુળેટીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગનું તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ઠેર-ઠેર શહેરમાં ધાણી, ચણા, ખજૂર, હારડા, સેવની હાટડીઓ પર ચેકિંગ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયેલો છે. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરના વિવિધ ઝોનમાં હાલમાં કાર્યવાહી ચાલી રહી છે.
વડોદરામાં હોળી ધુળેટીના તહેવારોને અનુલક્ષીને વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ધાણી, ખજૂર, ચણા, સેવ, હારડા વગેરેનું છેલ્લા ત્રણ દિવસથી ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. આજે પણ કેટલાક વિસ્તારોમાં સવારથી ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ ચેકિંગમાં કામે લાગી છે. ગઈકાલે શહેરના નવા યાર્ડ, ગોત્રી રોડ, ઇલોરાપાર્ક, સુભાનપુરા વિસ્તારમાં 25 દુકાનો તેમજ લારીઓ અને પથારામાંથી ખજૂર, હળદર અને મીઠા વાળા ચણા, મોળા ચણા, કાબુલી ચણા, ઘઉંની સેવ વગેરેના 11 નમૂના લીધા હતા. ચેકિંગ દરમિયાન જે નમૂના લીધા છે તે તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી-ધૂળેટીના તહેવારો પૂર્વે બજારમાં ઘાણી, ચણા, ખજૂર, હારડા, સેવ વગેરેનું વેચાણ શરૂ થાય ત્યારે કોર્પોરેશન દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. આ રૂટિન કામગીરી છે. આ વસ્તુ સાથે શહેરમાં મરી-મસાલાની સિઝન હોવાથી મસાલાના સ્ટોર લાગેલા છે. તેમજ દુકાનોમાં રેડિમેટ મસાલા પણ વેચાઈ રહ્યા છે. આ મસાલાની ગુણવત્તા કેવી છે? તેમાં કશું ભેળવેલું છે કે કેમ? તે સંદર્ભે ફૂડ સેફ્ટી ઓફિસરો તપાસ માટે વિવિધ વોર્ડમાં કામે લાગ્યા છે.
હાલમાં આ કામગીરીમાં ક્યાંક ઢીલાશ હોય તેવું જાણવા મળ્યું છે. અહીંયા વેપારીઓને માત્ર નોટિસ અને સેમ્પલ લઈ વેચાણની કામગીરી તો ચાલીજ રહી છે. શહેરના દરેક વિસ્તારમાં હાટડીઓ પર ખુલ્લી ખજૂર અને કલર વાળી સેવો વેચાઈ રહી છે. માત્ર સેમ્પલ અને નોટિસ આપી સંતોષ માનવામાં આવી રહ્યો છે.
આ અંગે ફૂડ સેફ્ટી ઓફિસર જીતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ખાસ કરીને હોળીના તહેવારમાં ધાણી, ચણા, ખજૂર અને સેવનું વધારે વેચાણ થતું હોય છે. છેલ્લા ત્રણ દિવસથી શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ઘાણી, ચણા વગેરેનું સેમ્પલિંગનું કામગીરી ચાલી રહ્યું છે.
વધુમાં કહ્યું કે, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ અમે નમૂના લઈ રહ્યા છે અને લેબોરેટરીમાં મોકલી રહ્યા છીએ, જેનો 14 દિવસમાં રિપોર્ટ આવતો હોય છે. ઇન્સ્પેકશનની કામગીરી દરમિયાન ધાણી, ખજૂર, ચણા સેવ, પનીર, કપાસીયા તેલ, પ્રીપેર્ડ હુડના 11 નમુના લેવામાં આવ્યા છે. સાથે હાલ મસાલાની સિઝન ચાલું હોવાથી શહેરનાં જુદા-જુદા સ્થળોએ મસાલાનું વેચાણ કરતા યુનિટોમાંથી મરચું પાઉડર, ધાણા પાઉડર, હળદર વગેરેમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી છે. જેમાં ઇન્સ્પેકશનની કામગીરી દરમિયાન શહેરનાં જુદા- જુદા વિસ્તારમાંથી મસાલાનું વેચાણ કરતા 18 યુનિટોમાંથી મરચું પાઉડર, ધાણા પાઉડર, હળદર વગેરેનાં કુલ 60 નમુના લેવામાં આવ્યા છે.