વડોદરામાં લોકો પૂજાપાની સામગ્રી તળાવમાં ન પધરાવે તે માટે નવ તળાવ ખાતે 10 કળશ મુકાયા

વડોદરા કોર્પોરેશન દ્વારા તળાવની સ્વચ્છતા જાળવવા પર વિશેષ ભાર મુકવા પ્રયાસ

MailVadodara.com - In-Vadodara-10-kalashes-were-placed-at-Nava-Lake-to-prevent-people-from-entering-the-water-from-the-pujapa-into-the-lake

- કળશની ક્ષમતા 300 લીટરની છે, જે ભરાઈ ગયા બાદ ઓર્ગેનિક કચરાને ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટ મશીનમાં કમ્પોસ્ટ ખાતર બનાવાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની સ્વચ્છતા જાળવવા પર વિશેષ ભાર મુકવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં તળાવમાં લોકો પૂજાપો, ફુલ, પાંદડા, નાળિયેર વગેરે સામગ્રી પધરાવીને તળાવ અસ્વચ્છ ન કરે તે માટે નવ તળાવ ઉપર 10 સોનેરી નિરમાલ્યમ કળશ મૂકવામાં આવ્યા છે. લોકોને તળાવમાં પૂજાપો વગેરે પધરાવવાને બદલે આ કળશમાં નાખવા સૂચના આપવામાં આવી છે. ગૌરી વ્રત દરમિયાન કુંવારીકાઓ દ્વારા જવારા વગેરે તળાવમાં વિસર્જન કરવામાં આવતું હોય છે, ત્યારે તેઓને પણ આ કળશમાં જવારા પધરાવવા કહેવાયું હતું. જેનો ઘણાએ અમલ કર્યો હતો.



વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ આ રીતે કળશનો ઉપયોગ કરવાથી તળાવ ઓછું અસ્વચ્છ થશે. આ કળશ ભરાઈ જવાથી તેમાં રહેલા ઓર્ગેનિક કચરાને ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટ મશીનમાં નાખવામાં આવશે, અને તેમાંથી ઓર્ગેનિક કમ્પોસ્ટ બનાવવામાં આવશે. શહેરના હરણી, સિધ્ધનાથ સહિતના નવ તળાવ ખાતે આ કળશ મુકવામાં આવ્યા છે. જે ભરાઈ જતા કોર્પોરેશનનું સોલિડ વેસ્ટ તંત્ર તેમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવશે, અને તેનો ઉપયોગ કોર્પોરેશનના બાગ-બગીચામાં ફૂલ છોડના ઉછેર માટે કરવામાં આવશે. આ કળશની ક્ષમતા 300 લીટરની છે. જે આખું ભરાતા તેમાંથી 10% ખાતર બની શકે છે. હરણી તળાવ ખાતે કળશ ભરાશે, જેને હરણી ગાર્ડન ખાતે મૂકવામાં આવેલા મશીનમાં તેનો નિકાલ કરાશે. સિધ્ધનાથ તળાવ ખાતેના કળશનો ખંડેરાવ માર્કેટ ખાતે મુકેલા મશીનમાં નિકાલ થશે. હાલ આ વ્યવસ્થા કામ ચલાવ ધોરણે છે. ઓક્ટોબર મહિનામાં કોર્પોરેશન એક કંપની સાથે એમ.ઓ.યુ કરવા જઈ રહી છે. જે થતા આ ઓર્ગેનિક કચરાનો નિકાલ ત્યાં કરવામાં આવશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા શહેરમાં ખંડેરાવ માર્કેટ, સયાજીબાગ, રાત્રી બજાર અને ગોરવા ખાતે ઓર્ગેનિક કમ્પોસ્ટ મશીન મૂકવામાં આવેલા છે. જ્યાં ઓર્ગેનિક કચરામાંથી મશીન દ્વારા કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે. આ એક મશીનની ક્ષમતા 500 કિલોની હોય છે. જેમાંથી 60% એટલે કે 300 કિલો જેટલું કમ્પોસ્ટ ખાતર બને છે. જેનો ઉપયોગ કોર્પોરેશનના ગાર્ડનમાં કરવામાં આવે છે. ઓર્ગેનિક કમ્પોસ્ટ મશીનમાં ઓર્ગેનિક કચરો નાખ્યા બાદ તેની નક્કી કરેલી સાયકલ હોય છે, જે મુજબ દર અઠવાડિયે આ મશીનમાંથી કમ્પોસ્ટ ખાતર એકત્રિત કરી લેવાય છે.

Share :

Leave a Comments