- મોડીરાત્રે બંધ મકાનના રસોડાની લોખંડની ગ્રીલ કાપી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા, તિજોરીમાંથી સોનાના 3 તોલાના દાગીના, ચાંદીના દાગીના મળી કુલે 1.53 લાખનો મુદ્દામાલ ચોરી ગયા
વડોદરાના અલવા રોડ પર આવેલા શુભમ ટેનામેન્ટમાં તસ્કરો ત્રાટક્યા હતાં અને ટેરેસ પર સુઈ રહેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી ઘરમાંથી રોકડ અને 3 તોલાથી વધુ સોના-ચાંદીના દાગીના મળી કુલે 1,53,500નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરો CCTVમાં કેદ થઇ જતાં વાઘોડિયા પોલીસે ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર વાઘોડિયાના અલવા રોડ ઉપર દત્તપુરા ગામ પાસે આવેલા A-60, શુભ ટેનામેન્ટમાં રહેતા અને કલર કામના કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાય કરતાં અજયકુમાર કેદારનાથ પટેલ અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે પરિવાર સાથે ટેરેસ ઉપર સુઈ ગયા હતાં. આ દરમિયાન તેઓના બંધ મકાનના રસોડાની લોખંડની ગ્રીલ કાપી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરની તિજોરીમાંથી સોનાના આશરે 3 તોલાના દાગીના, ચાંદીના દાગીના મળી કુલે રૂપિયા 1,53,500નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
વહેલી સવારે ચોરીના બનાવની જાણ પરિવારને થતાં ચોકી ઉઠ્યું હતું. તે સાથે સોસાયટીમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે CCTV ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, હવે તાલુકા મથકોની આસપાસ સોસાયટીઓ કુદકેને ભૂસકે બની રહી છે. તાલુકા મથક પાસે બની રહેલી સોસાયટીના લોકોને પોલીસ નાઇટ પેટ્રોલિંગનો લાભ મળતો નથી. સોસાયટીઓ છેવાડે હોવાથી તસ્કરોને ચોરી કરવામાં મોકળું મેદાન મળી જતું હોય છે. હાલ કાળઝાળ ગરમી હોવાથી લોકો ટેરેસ ઉપર સૂઇ જતાં હોય છે. પરિણામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી ચોરીઓ કરી રહ્યા છે. ત્યારે સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીઓમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે.