- તા.8ના રોજ ગાંધીનગર ગૃહ ખાતે બપોરે 3 થી 5 ટ્રેનિંગ સેમિનાર યોજાશે
ઓનલાઈન કંપનીઓનો ગ્રાહકોમાં વધી રહેલા વ્યાપના કારણે નાના દુકાનદારોના વ્યવસાય પર અસર પડી રહી છે. આ સંજોગોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ઓનલાઈન કંપનીઓ સામે કેવી રીતે મુકાબલો કરી શકાય તેની તાલીમ વડોદરાના વેપારીઓને આપવામાં આવશે.
શહેરમાં આ પ્રકારનો કાર્યક્રમ પહેલી વખત યોજાવા જઈ રહ્યો છે. વેપારીઓના દેશ વ્યાપી સંગઠન કેટ (કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ)ના વડોદરા ચેપ્ટર દ્વારા વેપારીઓ માટે તા.8ના રોજ શહેરના ગાંધીનગર ગૃહ ખાતે વેપારીઓ બપોરે 3 થી 5 દરમિયાન ટ્રેનિંગ સેમિનાર યોજવામાં આવશે.
કેટના વડોદરા પ્રમુખ પરેશ પરીખનુ કહેવુ છે કે, વડોદરામાં અલગ અલગ 79 જેટલા વેપારી સંગઠનો અમારી સાથે રજિસ્ટર થયેલા છે અને તેમાં હજારો દુકાનદારોનો સમાવેશ થાય છે. આ પૈકીના માંડ પાંચ ટકા નાના વેપારીઓને સોશિયલ મીડિયાની જાણકારી હશે. આ ટ્રેનિંગ સેમિનાર થકી અમે નાના વેપારીઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ વ્યવસાય વધારવા માટે કેવી રીતે કરી શકાય તેની તાલીમ આપવાના છે. આમ તો આ પ્રકારનુ અભિયાન આખા દેશમાં શરુ કરવામાં આવ્યું છે પણ વડોદરામાં પહેલી વખત આવો ટ્રેનિંગ સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. વેપારીઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વ્યવસાય વધારનારા નાના વેપારીઓની સફળતાના કેટલાક કિસ્સાઓની પણ જાણકારી આપવામાં આવશે.
તેમનુ કહેવુ છે કે, ઓનલાઈન કંપનીઓ સામે ટકવુ હશે હશે તો નાના વેપારીઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા શીખવુ પડશે. આ કાર્યક્રમમાં વેપારીઓને જાણકારી આપવા માટે કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલ હાજરી આપવાના છે. અત્યાર સુધીમાં 400 જેટલા વેપારીઓ ટ્રેનિંગ સેમિનાર માટે રજિસ્ટ્રેશન કરાવી ચુકયા છે.