- ઢોર પાર્ટીના સુપરવાઇઝરને ધક્કો મારીને નીચે પાડી દીધા
વડોદરા શહેરના સનફાર્મા રોડ પર રખડતા ઢોર પકડવા નિકળેલી મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના સ્ટાફ સાથે 3 પશુપાલકોએ ગંદી ગાળો બોલીને ઝપાઝપી કરી હતી અને ઢોર પાર્ટીના સુપરવાઇઝને ધક્કો મારીને નીચે પાડી દીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પશુપાલકો ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝઘડો કરે છે. આ ઉપરાંત ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી અને ધક્કામુક્કી કરે છે અને ગાયને છોડાવવાનો પ્રયાસ કરે છે અને ઢોર પાર્ટીના માણસને વીડિયો બંધ કરવાનું કહે છે. આ મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં 3 અજાણ્યા પશુલાલકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે જે.પી. રોડ પોલીસે 3 આરોપીની શોધખોળ શરૂ કરી છે.
વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશનની બાજુમાં આવેલ રાજીવનગરમાં રહેતા અને વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સુપરવાઇઝર અરૂણભાઇ દેવરેએ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અમે વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિક્યુરિટી વિભાગના ઢોર પાર્ટીની ટીમનો સ્ટાફ પોલીસ સ્ટાફને સાથે રાખીને બે ગાડી અને એક ટ્રેકટર લઇને રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા. આ સમયે સનફાર્મા રોડ પર જાહેર રસ્તામાં એક રખડતી લાલ રંગની ગાય મળી આવી હતી. અમારી સાથેના સ્ટાફના માણસો આ ગાયને પકડવા માટે જતા હતા. તે વખતે ત્રણ અજાણ્યા પશુપાલકો ત્યાં આવી ગયા હતા.
અમારી ટીમના માણસોને ગાય પકડવાની કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. તેઓ અમને ગમે તેવી ગમે તેમ બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા અને અમારા સ્ટાફની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા, જેથી હું યોદ્ધા ગાડીમાંથી ઉતરીને મોબાઇલમાં વીડિયોગ્રાફી કરતો હતો. તે વખતે આ ત્રણ અજાણ્યા પશુપાલકો પૈકીનો એક ઇસમ મારી પાસે આવ્યો હતો અને મને જોરથી ધક્કો મારી દેતા મારો સરકારી મોબાઇલ નીચે પાડી દીધો હતો અને તે દરમિયાન અમારી સાથેના પોલીસ સ્ટાફના માણસો આવી જતા આ ત્રણેય પશુપાલકો ગભરાઇને ત્યાંથી ભાગી ગયા હતા.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી કોર્પોરેશન દ્વારા શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોને પકડવાની કામગીરી ચાલી રહી છે. જે કામગીરીમાં અવરોધરૂપ બની રહેલા ગૌપાલકો સામે પોલીસ ફરિયાદો પણ થઇ રહી છે. વડોદરા શહેરના માર્ગો ઉપર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂમ પુરવાર થઇ રહી છે. વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા ગાયો પકડવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ, કોર્પોરેશનની ઢોર પાર્ટી પોલીસ બંદોબસ્ત સાથે ગાયો પકડવા જાય છે, ત્યારે ગૌપાલકો પોતાની ગાયોને ઢોર પાર્ટીથી બચાવવા માટે બાઇકો પર લોકોના જીવ જોખમમાં મૂકાય તે રીતે નીકળી પડે છે.