- પાલિકા દ્વારા જાહેરમાં કચરો નાખનાર સામે મોનિટરિંગ કરી કાર્યવાહી કરાઇ રહી છે
વડોદરા શહેરની સ્માર્ટ સિટીમાં ગણના કરવામાં આવતી હતી, પરંતુ અવારનવાર સ્વચ્છતાને લઇ પાછળ ધકેલાયું છે. તાજેતરમાં જ જાહેર થયેલા આંકડામાં વડોદરા શહેર 33માં ક્રમે સ્વચ્છતાને લઇ ધકેલાયું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા જાહેરમાં કચરો નાખનાર રેસ્ટોરન્ટ સંચાલક સામે મોનિટરિંગ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ કાલે શહેરના અલકાપુરી વિસ્તારમાં અને આજે જેતલપુર બ્રિજ નીચે આવેલા રેસ્ટોરન્ટનાં સંચાલકને નોટિસ ફટકારવામાં આવી છે અને રૂપિયા 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં અને જેતલપુર બ્રિજ નીચે આવેલી ચિકન દમ બિરયાની નામની હોટલ છે તે જાહેરમાં કચરો નાખતા પકડાઈ ગયા છે. જેની સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે અલકાપુરી વિસ્તારમાં આવેલી હોટલના સંચાલક સામે વડોદરા કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને આજે અન્ય સંચાલકે જાહેરમાં રોડ પર કચરો નાખતા હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
આ મામલે પાલિકાના પૂર્વ ઝોનના આસિ. મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જાહેરમાં કચરો નાખનાર કે, ગંદકી કરનાર દુકાન માલિક સામે ગઈકાલે અને આજે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સાથે નોટિસ અને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. દુકાન માલિકને રૂપિયા 10 હજારનો દંડ કરી સ્વચ્છતા બાબતે કડક કાર્યવાહી બીજા દિવસે પણ કરવામાં આવી છે અને નાગરિકોએ પણ આ ઝૂંબેશમાં સહકાર આપી ગંદકી કરવી ન જોઈએ તેવી અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનમાં જાહેરમાં કચરો નાખનાર સંચાલકને દંડ અને દુકાન સીલ કરાઈ હતી અને આજે ફરી મોનિટરિંગ કરી અન્ય એક દુકાન સીલ કરી દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે જો યોગ્ય રીતે કામગીરી કરી સીસીટીવી ફૂટેજનો સહારો લઇ કાર્યવાહી કરવામાં આવે તો શહેરને સ્વચ્છ બનતા કોઈ રોકી શકશે નહીં. સાથે નાગરિકો પણ આ સ્વચ્છતા બાબતે સજાક થાય તો ચોક્કસ સફળતા મળશે.