વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ મહિલાને રિક્ષામાં બેસાડયા બાદ ત્રણ પુરુષ અને એક મહિલા મળીને સાત ગ્રામ સોનાની ચેન તેમની જાણ બહાર ઉતારી લીધી હતી. આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મકરપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દુર્ગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 70 વર્ષીય શશીકલાબેન લક્ષ્મણભાઇ રીંગેએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી રિક્ષા ડ્રાઇવર અને તેની સાથે આવેલા અન્ય બે પુરૂષ તથા એક મહિલા મળી કુલ ચાર શખસોએ મારી સાથે છેતરપિંડી કરી છે. હું મારા કામ માટે માંજલપુર વિસ્તારમાં આવેલી અમરજયોત સોસાયટીમાં જવા માટે રીક્ષાની રાહ જોઈને ઉભી હતી, તે દરમિયાન બંસલ મોલ તરફથી એક અજાણ્યો રીક્ષાચાલક આવ્યો હતો અને તેને અમર જ્યોત સોસાયટી માંજલપુર ખાતે જાવુ છે, તેમ જણાવતા તેને હા પાડી હતી અને તે વખતે રિક્ષામાં પાછળની સીટમાં એક મહિલા તથા બે પુરુષ બેઠા હતા.
આ રીક્ષા ચાલકે મને રીક્ષામા પાછળની સીટમાં બેસેલ મહીલા અને પુરૂષ વચ્ચે બેસાડી દીધી હતી, ત્યારબાદ રીક્ષા જતી કરી દીધી અને ત્યારબાદ રીક્ષામાં બાજુમાં બેસેલા પુરુષે ગળા પાસે એક થેલી રાખી હતી, જેથી મે થેલી હટાવવાનુ જણાવ્યું હતું, ત્યારબાદ મને રિક્ષા ચાલકે ફરી તરસાલી શુસેન રીંગ રોડ એસ્સાર પેટ્રોલ પંપની સામે આવેલ સાંઇબાબાના મંદિર પાસે ઉતારી દીધી હતી. જેથી, મે રીક્ષા ડ્રાઇવરને અમરજયોત સોસાયટી પાસે ઉતારવા કહ્યું હતું. જેથી, રિક્ષાચાલકે કહ્યું હતું કે, આગળ પોલીસ છે તમે ફટાફટ નીચે ઉતરો તેમ જણાવી મને નીચે ઉતારી રીક્ષા લઇ ભાગી ગયો હતો અને ત્યારબાદ નીચે ઉતરી મે ગળામાં પહેરેલ 30 હજારની કિંમતની 7 ગ્રામ વજનની સોનાની ચેઇન મળી નહોતી. રીક્ષામાં બેઠેલા અજાણ્યા ત્રણ પુરૂષ તથા એક મહિલાએ મને વિશ્વાસમાં લઇને લલચાવી વાતોમાં રાખી મારી સાથે ઠગાઇ કરીને મારી 7 ગ્રામની સોનાની ચેઇન કાઢી લઇ સુશેન સર્કલ તરફ ભાગી ગયા હતા. આ મામલે મે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.