વાઘોડિયાના રામશેરા ગામે બે યુવાનો કેનાલમાં નાહવા પડ્યા ને ડૂબ્યા, 24 કલાક બાદ પણ કોઈ જ પત્તો નહિં

મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના બંને યુવકો રવાલ ગામે ઈંટોની ફેક્ટરીમાં કામ કરતા હતા

MailVadodara.com - In-Ramshera-village-of-Waghodia-two-youths-drowned-after-swimming-in-canal-no-trace-even-after-24-hours

- પ્રહલાદના 3 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને તેને સંતાનમાં 10 માસની દીકરી છે, પતિ-પત્ની બંને ફેક્ટરીમાં કામ કરી ગુજરાન ચલાવતા હતા


વાઘોડિયા તાલુકાના રવાલ ગામ પાસે આવેલી સિમેન્ટમાંથી ઈંટો બનાવતી ફેક્ટરીમાં કામ કરતા બે યુવાનોનું રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદા બ્રાંચ કેનાલમાં ડૂબી જતા લાપતા થયા હતા. બંને યુવાનો ગઈકાલે બપોરના સમયે નાહવા ગયા હતા તે દરમિયાન તેઓ કેનાલના વહેતા પાણીમાં તણાય ગયા હતા. બંને યુવાનોની શોધખોળ ચાલી રહી છે. ડૂબી ગયેલા બે યુવાનો પૈકી એક યુવાન પરિણીત છે અને તેને દસ માસની દીકરી છે.


મળેલી માહિતી પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના કેસરપુરા ગામનો વતની પ્રહલાદ રામચંદ્ર મહિડા (ઉં.વ.25) અને દિલીપ ગુડુભાઈ સંગાડ (ઉં.વ.21) રવાલ ગામની સીમમાં અંજતા વાઈબ્રો પ્રોડ્કટ્સ ફેક્ટરીમાં ઈંટો બનાવવાનું કામ કરે છે. બુધવારે બપોરે પ્રહલાદ અને દિલીપ ઈંટો પાડવાનું મશીન બંધ કરીને રામેશરા-વડોદરા બ્રાંચ કેનાલમાં નાહવા માટે ગયા હતા. કેનાલમાં પાણીનું વહેણ હોવાથી બંને યુવાનો કેનાલમાં પડતાં જ તણાવા લાગ્યા હતા. બંનેને ડૂબતા જોઇ અને તેઓની મરણચીસો સાંભળી તેમની સાથે જ મજૂરી કામ કરતો ગોલુ સુભાષભાઈ ભુરિયા તથા ફેક્ટરી ઉપર કામ કરતા અન્ય મજૂરો કેનાલ ઉપર દોડી ગયા હતા.


જોકે, ફેક્ટરી ઉપર કામ કરતા મજૂરો સ્થળ પર પહોંચી ડૂબી ગયેલા પ્રહલાદ અને દિલીપને બચાવવા પ્રયાસો કરે તે પહેલાં બંને યુવાનો વહેતા પાણીમાં લાપત્તા થઈ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવતા તુરંત જ પોલીસ દોડી આવી હતી. કેનાલમાં લાપત્તા થયેલા બંને યુવાનોની શોધખોળ માટે સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ તપાસ શરૂ કરાવી હતી જોકે, મોડી સાંજ સુધી બંનેનો કોઈ પત્તો મળ્યો ન હતો.

કેનાલમાં ડૂબી ગયેલા પ્રહલાદની પત્ની પૂજાબેનના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. પૂજાબેનના 3 વર્ષ પહેલાં જ પ્રહલાદ સાથે લગ્ન થયા હતા અને તેને સંતાનમાં 10 માસની દીકરી છે. પતિ-પત્ની બંને ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા અને ગુજરાન ચલાવતા હતા. દિલીપ અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.


મોડી સાંજ સુધી પ્રહલાદ અને દિલીપનો પત્તો ન મળતા પરિવારજનો દ્વારા વહેલી સવારથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, મોડી સવાર સુધી બંનેનો પત્તો મળ્યો નહોતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, સવારે 10 વાગ્યા સુધી પોલીસ કે ફાયર બ્રિગેડની ટીમ આવી નહોતી. અમે અમારી જાતે જ કેનાલના પાણીમાં લાપત્તા થયેલા પ્રહલાદ અને દિલીપની શોધખોળ કરી રહ્યા છીએ. વાઘોડિયા પોલીસે જાણવા જોગ અરજી દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે કેનાલ ઉપર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

Share :

Leave a Comments