રાજસ્થંભ સોસાયટીમાં કોમન ડ્રેનેજ લાઈન વારંવાર ચોકઅપ થઇ જતાં પાણી ઘરમાં ઘૂસે તેવી પરિસ્થિતિ

રહીશોએ અવારનવાર રજૂઆતો છતાં કોર્પોરેશન પણ કાયમી નિકાલ લાવી શકતું નથી

MailVadodara.com - In-Rajasthamba-society-the-situation-where-water-enters-the-house-due-to-frequent-choke-up-of-common-drainage-line

- સોસાયટીમાં એક રહીશે કોમન ડ્રેનેજ લાઈન ઉપર મકાનનું બાંધકામ કર્યું હોવાથી ચોકઅપ થઇ ગયેલી લાઈન સાફ કરી શકાતી નથી..!!

વડોદરા શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં પોલો ગ્રાઉન્ડની સામે બગીખાના પાસે આવેલી રાજસ્થંભ સોસાયટીમાં આશરે 18 મકાનમાં લોકોના કમ્પાઉન્ડની ચોકડીમાં ડ્રેનેજના પાણી ભરાયેલા જ રહે છે. ડ્રેનેજ લાઈન ચોકઅપ હોવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે.

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં.13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ વડોદરા કોર્પોરેશનના એન્જિનિયરિંગ શાખામાં આ અંગે રહીશોએ અવારનવાર રજૂઆતો કરી છે. આ સોસાયટીમાં બ્લોક નંબર 145 થી 162 સુધીના મકાનોના પાછળના ભાગે માર્જિનની જગ્યામાં કોન્ટ્રાક્ટર દ્વારા કોમન ડ્રેનેજ લાઈન નાખવામાં આવેલી છે. આ ડ્રેનેજ લાઈન વારંવાર ચોકઅપ થઈ જાય છે. કોર્પોરેશનમાં જાણ કરવામાં આવતા કામગીરી થાય છે, પરંતુ ફરી પાછી એની એ જ સ્થિતિ ઊભી થાય છે.


આ કોમન ડ્રેનેજ લાઈન ઉપર એક મકાનના રહીશ દ્વારા ડ્રેનેજ લાઈન ઉપર બાંધકામ કરવામાં આવેલું છે. જ્યારે પણ લાઈન ચોકઅપ થાય છે, ત્યારે આ બાંધકામના કારણે લાઈન સાફ કરી શકાતી નથી. આ ઉપરાંત રહીશ બહાર રહેતા હોવાથી લાઈન સંદર્ભે કોઈ કામગીરી થઈ શકતી નથી. ડ્રેનેજ લાઈનના બાંધકામ અંગે તાત્કાલિક કાયમી નિકાલ લાવવા રજૂઆત કરવામાં આવી છે. ગટરના ગંધાતા પાણી લોકોની ચોકડીમાં સતત ભરેલા રહે છે. જેને લીધે લોકોને પાછળ રસોડાના ભાગે પણ તકલીફ પડે છે, અને પાણી ઘરમાં ઘૂસી જાય તેવી સ્થિતિ ઊભી થાય છે. ડ્રેનેજ લાઈન પર થયેલા બાંધકામ અંગે કોર્પોરેશને નોટિસ આપી છે પરંતુ આગળ કોઈ કાર્યવાહી થઈ નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments